પડાણાની કંપનીમાં શંકાસ્પદ CPU તેલનો જથ્થો ઝડપાયો: ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસની દરોડા કાર્યવાહી, એક વ્યક્તિ કસ્ટડીમાં
કચ્છ, 11 જુલાઈ (હિ.સ.) :ગાંધીધામ તાલુકાના પડાણા ગામની સીમમાં આવેલી ગ્લો ઈન્ડિયા નાઈસલૂક પ્રા. લિ. કંપનીમાં પોલીસે દરોડો પાડી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી રાખવામાં આવેલ શંકાસ્પદ CPU તેલનો જથ્થો કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે એક વ્યક્તિને ઝડ
સીપીયુ ઓઈલ સાથે યુવક પકડાયો


કચ્છ, 11 જુલાઈ (હિ.સ.) :ગાંધીધામ તાલુકાના પડાણા ગામની સીમમાં આવેલી ગ્લો ઈન્ડિયા નાઈસલૂક પ્રા. લિ. કંપનીમાં પોલીસે દરોડો પાડી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી રાખવામાં આવેલ શંકાસ્પદ CPU તેલનો જથ્થો કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે એક વ્યક્તિને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવાના ભાગરૂપે સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સતત ચેકિંગ અને સર્વેલન્સ કામગીરી ચાલી રહી છે. આ જ અભિયાન અંતર્ગત અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન અને ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના નેતૃત્વમાં પોલીસે આ સફળ કાર્યવાહી કરી હતી.

પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે પડાણા સીમમાં આવેલી કંપનીના પરિસરમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન એક ઓરડીમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ CPU તેલનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પરથી રમેશકુમાર અશોકકુમાર અરોળા (ઉંમર 36), જે કંપનીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું, તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં કુલ 325 લિટર જેટલું શંકાસ્પદ CPU તેલ કબજે કરવામાં આવ્યું છે. જેમાં 35 લિટરની ક્ષમતા ધરાવતા સાત કેરબામાં ભરાયેલ 245 લિટર તેલ તેમજ 20 લિટરની ક્ષમતાવાળા ચાર કેરબામાં ભરાયેલ 80 લિટર તેલનો સમાવેશ થાય છે. કબજે કરાયેલા સમગ્ર જથ્થાની અંદાજિત કિંમત રૂ. 19,500 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

આ મામલે પોલીસે આરોપી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. શંકાસ્પદ તેલ ક્યાંથી મેળવવામાં આવ્યું હતું, તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિઓ અથવા ગેરકાયદેસર નેટવર્ક સંકળાયેલું છે કે નહીં તે અંગે પણ પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો છે.

આ સમગ્ર કાર્યવાહી ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એન. વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફની ટીમે સંયુક્ત રીતે સફળતાપૂર્વક પાર પાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande