



પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા પોરબંદરના નરસંગ ટેકરી પાસે આવેલી સોરઠીયા પ્રજાપતિ વાડી ખાતે ભવ્ય રોજગાર મેળો યોજાયો હતો. આ રોજગાર મેળામાં વહેલી સવારથી જ નોકરીની આશા સાથે મોટી સંખ્યામાં યુવા ઉમેદવારો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક તેમજ અન્ય જિલ્લાની 19 થી વધુ નામાંકિત કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે લાયક ઉમેદવારોના સ્થળ પર જ ઈન્ટરવ્યું લીધા હતા.
આ મેગા જોબફેરમાં ધોરણ 10 અને 12 પાસથી લઈને આઈ.ટી.આઈ (ITI), ડિપ્લોમા, બી.ઈ., બી.ટેક તેમજ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા અનેક રોજગાર ઈચ્છુક ઉમેદવારો પોતાના બાયોડેટા અને જરૂરી પ્રમાણપત્રો સાથે હાજર રહ્યા હતા.
જિલ્લા રોજગાર અધિકારી દિનેશ પરમારે રોજગાર ભરતી મેળા દરમિયાન જણાવ્યું હતું કે, જિલ્લાના લાયકાત ધરાવતા યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તેમનો વિભાગ છેલ્લા ત્રણ મહિનાથી સતત પ્રયત્નશીલ હતો. આ ઉત્સાહભેર પ્રયાસોના પરિણામે 19 જેટલી કંપનીઓ (રોજગારદાતાઓ) આ મેળામાં સહભાગી થઈ છે, જેમના દ્વારા અંદાજે 300 થી વધુ જગ્યાઓ માટે સીધા ઇન્ટરવ્યુ લેવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ઉમેદવારોની સગવડતા માટે વિભાગ દ્વારા 2165 જેટલા બસ પાસ પૂરા પાડવામાં આવ્યા છે તેમજ તમામ માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ રોજગાર મેળામાં કુલ 370 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા જેમાંથી 298 જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારીએ પ્રેરણાદાયી વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર ડિગ્રી મેળવવાથી સફળતા મળતી નથી, પરંતુ કૌશલ્ય, આત્મવિશ્વાસ અને સતત શીખવાની વૃત્તિ જ વ્યક્તિને સફળ બનાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સ્કિલ ઈન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' જેવા અભિયાનોથી યુવાનો માટે નવી તકો ઊભી થઈ છે, અને આ જોબ ફેર યુવાનોના સપના સાકાર કરવાનું એક સુવર્ણ માધ્યમ બનશે.
તેમણે 'મહિલા' અને 'દીકરી' શબ્દોની સુંદર અને હૃદયસ્પર્શી વ્યાખ્યા આપી ઉપસ્થિત સૌને પ્રોત્સાહિત કર્યા હતા. પોરબંદરના યુવાનોની અદ્ભુત પ્રતિભાને બિરદાવતા તેમણે ઉમેર્યું કે, યોગ્ય માર્ગદર્શન અને તક મળતાં જ આ યુવાધન નવી ઊંચાઈઓ સર કરશે. અંતમાં, તેમણે યુવાનોને નોકરી મેળવવાની સાથે-સાથે સમય સાથે નવી ટેકનોલોજી અને નવા કૌશલ્યો વિકસાવવા પર ખાસ ભાર મૂક્યો હતો અને જિલ્લા રોજગાર કચેરીના આ સુંદર આયોજનને અભિનંદન પાઠવ્યા હતા.
જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી હંસાબેન ટાઢાણીએ ઉમેદવારોને પ્રોત્સાહિત કરીને બેટી બચાવો, બેટી પઢાવો અંગે પ્રતિજ્ઞા મેળવવામાં આવી હતી. સ્ટેજ કાર્યક્રમના અંતે મોટીવેશનલ સ્પીકર ભાવનાબેન મોઢવાડીયા દ્વારા ઉપસ્થિત યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પોરબંદર મનપાના મેયર સાગરભાઈ મોદી, જિલ્લા રોજગાર કચેરીના કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં રોજગારદાતાઓ અને રોજગાર ઈચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન પૂજાબેન રાજા દ્વારા કરવામાં આવ્યું હતું.
જિલ્લા રોજગાર કચેરીના આ સફળ આયોજનના પગલે પોરબંદર જિલ્લાના અનેક લાયક યુવાનોને એક જ સ્થળે રોજગારીની ઉત્તમ તક મળી રહેતા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya