
મહેસાણા, 11 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના સીડોસણા ગામે જિલ્લા કલેક્ટરે ઓચિંતી મુલાકાત લઈ વિવિધ સરકારી કચેરીઓની કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન ગામમાં ઉપલબ્ધ સરકારી સેવાઓ, મૂળભૂત સુવિધાઓ અને વિકાસલક્ષી કાર્યો અંગે સ્થળ પર જ માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
કલેક્ટરે ગ્રામ પંચાયત સહિત વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત ગામમાં ઉપલબ્ધ સુવિધાઓ અને જ્યાં સુધારાની જરૂરિયાત છે તે મુદ્દાઓ અંગે ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. ગ્રામજનોએ પીવાનું પાણી, રસ્તા, સ્વચ્છતા સહિત સ્થાનિક જરૂરિયાતોને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા.
કલેક્ટરે સંબંધિત અધિકારીઓને લોકોની સમસ્યાઓનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવા તેમજ વિકાસલક્ષી કામોમાં ઝડપ લાવવા સૂચના આપી હતી. તેમણે સરકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચે તે માટે પણ અધિકારીઓને સક્રિય કામગીરી કરવા જણાવ્યું હતું.
ગ્રામજનો સાથેની ચર્ચા દરમિયાન ગામના સર્વાંગી વિકાસ માટે જરૂરી આયોજન, ખૂટતી સુવિધાઓ અને ભાવિ વિકાસકાર્યો અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આવી ઓચિંતી મુલાકાતો દ્વારા વિકાસકાર્યોની સમીક્ષા અને લોકોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR