
મહેસાણા, 11 જુલાઈ (હિ.સ.) : પેરોલ રજા પર ગયા બાદ છેલ્લા લગભગ 7 મહિનાથી ફરાર રહેલા આજીવન સજા પામેલા પાકા કેદીને મહેસાણા પેરોલ-ફર્લો સ્કોડે ઝડપી લઈ અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે.
પોલીસે આપેલી વિગતો મુજબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ ફરાર કેદીઓને પકડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળિયાના માર્ગદર્શન હેઠળ પેરોલ-ફર્લો સ્કોડે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી કાર્યવાહી કરી હતી.
હર્ષદગીરી ભરતગીરી બાવા (રહે. વાલમ, તાલુકો વિસનગર) પોક્સો અને દુષ્કર્મ સંબંધિત ગંભીર ગુનામાં આજીવન સજા ભોગવી રહ્યો હતો. તેને 26 નવેમ્બર, 2025ના રોજ 7 દિવસની પેરોલ રજા આપવામાં આવી હતી અને 4 ડિસેમ્બર, 2025ના રોજ જેલમાં પરત હાજર થવાનું હતું. જોકે તે હાજર ન રહ્યો અને ફરાર થઈ ગયો હતો.
શનિવારે મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્કોડે ખેરવા ગામ નજીક નવા બની રહેલા બ્રિજ પાસે આવેલા પાર્લર પરથી તેને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પેરોલ દરમિયાન જુનાગઢના ભવનાથ તળેટી તેમજ અમદાવાદની વિવિધ જગ્યાઓ પર રોકાયો હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ તેને બાકીની સજા ભોગવવા માટે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં સોંપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR