
મહેસાણા, 11 જુલાઈ (હિ.સ.)માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય અને વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી મહેસાણા પ્રાદેશિક પરિવહન કચેરી (આરટીઓ) દ્વારા રોડ સેફ્ટી અભિયાન અંતર્ગત પિલવાઈ સ્થિત શ્રી શેઠ જી.સી. હાઈસ્કૂલમાં માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન આરટીઓની ટીમે વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના વિવિધ નિયમો અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. ટ્રાફિક સિગ્નલનું પાલન, હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો, ઓવર સ્પીડિંગના જોખમો તેમજ રસ્તો ક્રોસ કરતી વખતે રાખવાની સાવચેતીઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે વધુ જાગૃતિ આવે તે માટે માહિતીપ્રદ પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લઈ ટ્રાફિક નિયમો અંગે પોતાના પ્રશ્નો પૂછ્યા હતા, જેના સંતોષકારક જવાબ આરટીઓના અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા.
આરટીઓના અધિકારીઓએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતોને અટકાવવા માટે માત્ર કાયદાનું પાલન પૂરતું નથી, પરંતુ દરેક નાગરિકમાં ટ્રાફિક શિસ્ત અને જવાબદારીની ભાવના વિકસે તે પણ જરૂરી છે. આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને બાળપણથી જ જવાબદાર માર્ગ ઉપયોગકર્તા બનવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR