શાહપુરની સંજય ગાંધી વિદ્યાલયમાં મહેસાણા આરટીઓ દ્વારા માર્ગ સલામતી સેમિનાર યોજાયો
મહેસાણા, 11 જુલાઈ (હિ.સ.) માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી મહેસાણા પ્રાદેશિક પરિવહન કચેરી (આરટીઓ) દ્વારા રોડ સેફ્ટી અભિયાન અંતર્ગત 10 જુલાઈ, 2026ના રોજ શાહપુર સ્થિત સંજય ગાંધી વિદ્યાલયમા
શાહપુરની સંજય ગાંધી વિદ્યાલયમાં મહેસાણા આરટીઓ દ્વારા માર્ગ સલામતી સેમિનાર યોજાયો


મહેસાણા, 11 જુલાઈ (હિ.સ.) માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી મહેસાણા પ્રાદેશિક પરિવહન કચેરી (આરટીઓ) દ્વારા રોડ સેફ્ટી અભિયાન અંતર્ગત 10 જુલાઈ, 2026ના રોજ શાહપુર સ્થિત સંજય ગાંધી વિદ્યાલયમાં માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમિનારમાં આરટીઓની ટીમે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું મહત્વ સમજાવ્યું હતું. હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ, ટ્રાફિક સિગ્નલનું પાલન, ઝેબ્રા ક્રોસિંગનો યોગ્ય ઉપયોગ, ઓવર સ્પીડિંગના જોખમો તેમજ વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને માર્ગ સલામતી માત્ર નિયમો પૂરતી મર્યાદિત નથી, પરંતુ જીવન બચાવવા માટેની જવાબદારી હોવાનું પણ સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ટ્રાફિક સંબંધિત વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેના યોગ્ય જવાબ આરટીઓના અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા.

આરટીઓના અધિકારીઓએ જણાવ્યું હતું કે શાળા કક્ષાએ આવા જાગૃતિ કાર્યક્રમો યોજવાથી વિદ્યાર્થીઓમાં બાળપણથી જ ટ્રાફિક શિસ્તનો વિકાસ થાય છે અને તેઓ પોતાના પરિવારજનોને પણ માર્ગ સલામતી અંગે જાગૃત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આવા કાર્યક્રમો દ્વારા સુરક્ષિત અને જવાબદાર માર્ગ વ્યવહારનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande