
બોટાદ, 11 જુલાઈ (હિ.સ.) પર્યાવરણનું સંરક્ષણ, હરિયાળું ગુજરાત અને ટકાઉ વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ), બોટાદ દ્વારા “એક પેડ મા કે નામ 3.0” અભિયાન અંતર્ગત ‘એઆરટીઓ ઉપવન’ ખાતે 151 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ચાલી રહેલા આ અભિયાનનો મુખ્ય હેતુ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણનું જતન અને હરિયાળી વધારવાનો છે.
આ પ્રસંગે બોટાદ જિલ્લા કલેક્ટર હર્ષદ વોરા અને જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ સ્વહસ્તે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે વૃક્ષો માત્ર ઓક્સિજનનો સ્ત્રોત જ નથી, પરંતુ આવનારી પેઢી માટે સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણની અમૂલ્ય ભેટ છે. તેથી દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ.
‘એઆરટીઓ ઉપવન’ હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના નિર્માણ માટે પ્રેરણારૂપ બની રહેશે. આ ઉપવન માત્ર વૃક્ષારોપણ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને કુદરત પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવા માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પણ કાર્ય કરશે.
કાર્યક્રમ દરમિયાન આરટીઓ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ આમંત્રિત મહાનુભાવોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપસ્થિત તમામ લોકોએ વાવવામાં આવેલા વૃક્ષોનું સંવર્ધન અને જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, બોટાદ દ્વારા તમામ નાગરિકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા, તેની નિયમિત સંભાળ રાખવા અને હરિયાળું, સ્વચ્છ તથા સમૃદ્ધ ગુજરાતના નિર્માણમાં સક્રિય સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA