
સુરત, 11 જુલાઈ (હિ.સ.): સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં તાજેતરના ભારે વરસાદ અને પૂરના કારણે રહેણાંક વિસ્તારો, વેપાર-ધંધા અને નાના ઉદ્યોગોને નોંધપાત્ર નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અસરગ્રસ્ત નાગરિકો અને વેપારીઓને આર્થિક રીતે ફરી ઉભા કરવા માટે વિશેષ રાહત પેકેજ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે નુકસાનના સંપૂર્ણ સર્વે બાદ મુખ્યમંત્રી દ્વારા સહાય પેકેજની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
સરકારના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનો વિગતવાર સર્વે પૂર્ણ કરવામાં આવશે. સર્વે રિપોર્ટના આધારે સહાયની રકમ સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે. સાથે જ પૂરનું પાણી ઉતર્યા બાદ શહેરમાં સફાઈ અભિયાનનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે, જ્યારે કેશડોલ અને જરૂરી ઘરવખરીની સહાય પણ અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચાડવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.
પૂરના કારણે વેપારીઓ અને નાના ઉદ્યોગોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને તેમના માટે પણ રાહતની ખાસ જોગવાઈ કરવામાં આવશે. આ ઉપરાંત વરાછા કો-ઓપરેટિવ બેંકે પૂરગ્રસ્તો માટે 9 ટકા વ્યાજદરે રૂ. 5 લાખ સુધીની ફ્લડ લોન આપવાની જાહેરાત કરી છે. હર્ષ સંઘવીએ બેંકની આ પહેલને માનવતાભર્યું પગલું ગણાવી જણાવ્યું કે સરકાર અને સ્થાનિક સંસ્થાઓ મળીને અસરગ્રસ્તોને સામાન્ય જીવનમાં પરત લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે