

પાટણ, 11 જુલાઈ (હિ.સ.)ચાણસ્મા તાલુકાના લણવા ગામની ત્રિભુવન વિદ્યાલય ખાતે સ્વ. એમ.આઈ. પટેલના જન્મદિવસ નિમિત્તે શાંતાબા કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ઉપક્રમે વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. 'ગ્રીન વિલેજ લણવા'ના સ્વપ્નદ્રષ્ટા સ્વ. એમ.આઈ. પટેલને વૃક્ષારોપણ દ્વારા ભાવાંજલિ અર્પણ કરવામાં આવી.
કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ રિદ્ધિબેન દેસાઈ, જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ ડો. મનીષ પટેલ, શાળાના આચાર્ય ડો. સમીર પટેલ, મહેશભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો, શિક્ષકો, ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ શાળા અને આઈટીઆઈ કેમ્પસમાં વૃક્ષો વાવી પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લીધો.
વક્તાઓએ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ સામે લડવા વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, શુદ્ધ હવા, વરસાદ અને પર્યાવરણનું સંતુલન જાળવવા વૃક્ષોનું મહત્વ અત્યંત અનિવાર્ય છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સ્વ. એમ.આઈ. પટેલના ગ્રામ વિકાસ, શિક્ષણ અને હરિયાળા લણવાના વિઝનની પ્રશંસા કરી હતી. સાથે જ શાંતાબા કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની પર્યાવરણલક્ષી અને રચનાત્મક પ્રવૃત્તિઓને બિરદાવી, આવનારી પેઢી માટે સતત વૃક્ષારોપણ અભિયાન ચલાવવાનો સંદેશ આપ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ