ગાંધીનગરને હરિયાળું બનાવવા મનપાનું મહાઅભિયાન: 50 સ્થળોએ 6.80 લાખ વૃક્ષોનું વાવેતર
ગાંધીનગર, 11 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા ક્ષેત્રને ''હરિયાળી લોકસભા'' બનાવવાના સંકલ્પ સાથે આગામી 12 મી જુલાઈના રોજ એક ભવ્ય વૃક્ષારોપણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર
મેયર મીરાબેન પટેલ


ગાંધીનગર, 11 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા ક્ષેત્રને 'હરિયાળી લોકસભા' બનાવવાના સંકલ્પ સાથે આગામી 12 મી જુલાઈના રોજ એક ભવ્ય વૃક્ષારોપણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર લોકસભા વિસ્તારમાં એક કરોડથી વધુ વૃક્ષો વાવવાના આ મહાયજ્ઞમાં ગાંધીનગર મહાનગરપાલિકા પૂર્ણ સમર્પણ સાથે જોડાઈ છે. આ વ્યાપક વૃક્ષારોપણ ઝુંબેશ સાથે 'એક પેડ માઁ કે નામ' અભિયાનને પણ સાંકળી લેવામાં આવ્યું છે, જે અંતર્ગત શહેરને ફરીથી 'આંબાવાડિયા' તેમજ ભારતના સૌથી લીલાછમ અને આદર્શ શહેર તરીકે વિકસાવવા માટે સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ પર્યાવરણીય મહાઅભિયાન અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના ૫૦ જેટલા નિર્ધારિત સ્થળોએ અંદાજિત 5,36,000 ચોરસ મીટર વિસ્તારમાં 6.80 લાખ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવશે. આ મહાયજ્ઞમાં મુખ્યત્વે આંબો, બોરસલ્લી, વડ, પીપળ, ગોરસ આંબલી, જાંબુ, ચીકુ અને આમળાં જેવી સ્થાનિક પ્રજાતિઓનો સમાવેશ થાય છે. આ સઘન વાવેતર થકી શહેરમાં વિવિધ પ્રકારના આમ્રવન, પોષણ અને ઔષધિ વન, ઓક્સિજન પાર્ક તેમજ બાયોડાયવર્સિટી પાર્કનું નિર્માણ થશે.

આ ઉપરાંત મહાનગરપાલિકા હસ્તકના 117 બગીચાઓ, 66 શાળાઓ, 111 આંગણવાડીઓ અને 124 તળાવોના વિસ્તારોને પણ આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યા છે. વિવિધ સામાજિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓ તેમજ 18500 જેટલા સ્થાનિક સ્વયંસેવકોના સહયોગથી આ ભગીરથ કાર્યને પૂર્ણ કરવામાં આવશે અને તમામ 50 સ્થળો પર શ્રમદાન કરનાર સ્વયંસેવકોને રોપાનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવશે. નાગરિકોને આ અભિયાનમાં ઘરઆંગણેથી જ પ્રત્યક્ષ રીતે જોડવા માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ ત્રણ 'વૃક્ષ-રથ' તૈયાર કરવામાં આવ્યા છે, જેને મેયર મીરા પટેલ દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ રથ મારફતે વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પ્રજાતિના ૭૦,૦૦૦ રોપાઓનું અને શહેરની જૂની ઓળખ જાળવી રાખવા માટે 40000 આંબાના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી જરૂરિયાતમંદ લોકોને ફળાઉ વૃક્ષોનો લાભ મળી શકે.

રોપા મેળવનાર દરેક નાગરિક પાસે વૃક્ષના નિયમિત જતન, ઉછેર અને રક્ષણ માટેની વિશેષ પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવશે, જેથી આવનારી પેઢીઓ માટે સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ નિર્માણ થઈ શકે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તમામ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે 12 મી જુલાઈના આ મહાઅભિયાનમાં પોતાના પરિવાર સાથે મોટી સંખ્યામાં જોડાય, 'એક પેડ માઁ કે નામ' સંકલ્પ હેઠળ ઘરે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની સેલ્ફી લઈને જનજાગૃતિ ફેલાવે તેમજ પર્યાવરણના રક્ષણ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી પાણી અને વીજળીની બચત કરે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande