ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વર્ષભર ચાલે તેટલી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ
ગાંધીનગર, 11 જુલાઈ (હિ.સ.) : ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટ ઉમંગ અંતર્ગત ગાંધીનગરના સેક્ટર-૨૯ સ્થિત સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને વર્ષભર ઉપયોગી બને તેવી નોટબુક, ફૂલસ્કેપ ચોપડા તથા અન્ય શૈક્ષણિક સામગ્રીનું વિતરણ ગાંધીનગર ઉત્તરના ધાર
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિતરણ


ગાંધીનગર, 11 જુલાઈ (હિ.સ.) : ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટ ઉમંગ અંતર્ગત ગાંધીનગરના સેક્ટર-૨૯ સ્થિત સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને વર્ષભર ઉપયોગી બને તેવી નોટબુક, ફૂલસ્કેપ ચોપડા તથા અન્ય શૈક્ષણિક સામગ્રીનું વિતરણ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા અનેક વર્ષોથી મહિલા અને બાળ વિકાસના ક્ષેત્રમાં સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૦૬થી મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. મયુર જોષીના સ્વખર્ચે વંચિત વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી વિતરણનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ૫૦૦ બાળકોથી શરૂ થયેલી આ સેવાયાત્રામાં છેલ્લા પાંચ વર્ષથી ગાંધીનગર, અમદાવાદ, ભરૂચ અને સાબરકાંઠાના ૧૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને વર્ષભર ઉપયોગી બને તેવી નોટબુક, ચોપડા, પેન્સિલ, રબર, સંચો, ડ્રોઇંગ બુક, કલર્સ સહિતની શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવામાં આવી છે. ઉદગમ ટ્રસ્ટનું માનવું છે કે શિક્ષણમાં કરવામાં આવતું રોકાણ રાષ્ટ્રના ભાવી નાગરિકોના ઘડતરનું સૌથી શ્રેષ્ઠ સાધન છે.

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. મયુર જોષીએ સ્વાગત પ્રવચનમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા સ્વાગત કાર્ડમાં લખાયેલા ડીલ નહીં, ફીલ કરો સંદેશનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ઉદગમની તમામ પ્રવૃત્તિઓમાં સેવા, સંવેદના અને માનવતાના મૂલ્યો કેન્દ્રસ્થાને છે. તેમણે ટ્રસ્ટની વિવિધ શૈક્ષણિક, સામાજિક અને માનવસેવાની પ્રવૃત્તિઓની માહિતી પણ આપી હતી.

અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત ગાંધીનગર મહાનગરપાલિકાની મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હેમાબેન ભટ્ટે બાળકોને પ્રેરણાદાયી વાર્તા દ્વારા જીવનમૂલ્યો સમજાવ્યા હતા.

મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે ડૉ. મયુર જોષી દ્વારા સંચાલિત ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના સેવાકાર્યોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે શિક્ષણ જ બાળકના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. તેમણે ઉદગમના અવિરત સમર્પિત પ્રયાસોને પણ અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરીને સારા નાગરિક બનવાનો સંદેશ આપ્યો હતો.

અંતે ધારાસભ્ય રીટાબેન પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને વર્ષભર ચાલે તેટલી નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક સામગ્રી પ્રાપ્ત થતાં વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

કાર્યક્રમમાં ઉદગમ પરિવારના મનોજભાઈ જોષી, વીણાબેન વોરા, પારૂલબેન મેહતા , કુસુમબેન જોષી, દીક્ષિતા જોષી, પરમજીત કૌર છાબડા, નીલેન્દુ વોરા અને કિરાત જોષી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી વિભૂતિબેને સર્વે મહાનુભાવો તથા ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકમિત્રોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande