
વાપી, 11 જુલાઈ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)એ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર અને વોન્ટેડ આરોપીને ઉમરગામમાંથી ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે.
સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS)ના માર્ગદર્શન હેઠળ અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝની સૂચના મુજબ ફરાર આરોપીઓને પકડવાની ઝુંબેશ દરમિયાન એલસીબીના પી.એસ.આઈ. જે.જી. વસાવા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એએસઆઈ અજય અમલાભાઈને મળેલી બાતમીના આધારે ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં દરોડો પાડી આરોપી નિરજ ઉર્ફે પીન્ટુ સત્યદેવ ઉમાકાંત તિવારીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપી વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનો ક્રમાંક 11200048261125/2026 હેઠળ ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(E), 81 અને 98(2) મુજબ વોન્ટેડ હતો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીને વધુ તપાસ માટે વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ કામગીરીમાં એલસીબીના પી.એસ.આઈ. જે.જી. વસાવા, એએસઆઈ અજય અમલાભાઈ તથા પેરોલ-ફર્લો સ્કવોડના એએસઆઈ અલ્લારખુ અમીરભાઈએ ટીમવર્ક સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha