

પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતની નવરચિત મહાનગરપાલિકાઓના સર્વાંગી અને આયોજિત શહેરી વિકાસને વધુ વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ અને દૂરંદેશી નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય અંતર્ગત વાપી, મહેસાણા, પોરબંદર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, આણંદ, નવસારી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાઓને આગામી પાંચ વર્ષ સુધી જાહેર હિતની અગિયાર જેટલી આવશ્યક નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે જરૂરી સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીએ મુખ્યમંત્રીના આ નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે, આ નિર્ણયથી પોરબંદર મહાનગરપાલિકાની વિકાસલક્ષી યોજનાઓ ઝડપથી અમલમાં મૂકવામાં મોટી સહાય મળશે. સરકારી જમીન વિનામૂલ્યે ઉપલબ્ધ થતાં વિકાસકાર્યોનો ખર્ચ ઘટશે, આયોજનમાં સરળતા આવશે અને નગરજનોને વધુ સારી તથા આધુનિક સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાવી શકાશે. મુખ્યમંત્રીના આ નિર્ણય હેઠળ નગર સેવાસદન મકાન, ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસ.ટી.પી.), વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ડબલ્યુ.ટી.પી.), ભૂગર્ભ ગટર વ્યવસ્થા, પંપિંગ સ્ટેશન, પાણી પુરવઠા યોજનાઓ, ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન પ્લાન્ટ, વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ વ્યવસ્થા, બાલવાડી (આંગણવાડી), તેમજ ટાઉન હૉલ, કોમ્યુનિટી હૉલ અને કન્વેન્શન સેન્ટર જેવી આવશ્યક સુવિધાઓ માટે જમીન ઉપલબ્ધ કરાવવામાં આવશે. મેયર સાગર મોદીએ જણાવ્યું હતું કે પોરબંદર ઝડપથી વિકસતું શહેર છે અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક નાગરિક સુવિધાઓનું નિર્માણ અત્યંત જરૂરી બન્યું છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી મહાનગરપાલિકાને નવી યોજનાઓનું આયોજન અને અમલીકરણ વધુ ઝડપથી કરી શકાશે, જેના પરિણામે શહેરના વિકાસને નવી દિશા અને નવી ગતિ મળશે.
આ નિર્ણયથી પોરબંદરના નાગરિકોને અનેક પ્રકારના સીધા લાભો મળશે. ટાઉન હૉલ, કોમ્યુનિટી હૉલ અને કન્વેન્શન સેન્ટર જેવી સુવિધાઓના વિકાસથી સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે આધુનિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થશે. બાલવાડી અને અન્ય જાહેર સુવિધાઓ ઊભી થતાં નાગરિકોને વધુ ગુણવત્તાસભર સેવાઓ નજીકમાં જ પ્રાપ્ત થશે. મેયર સાગર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો આ નિર્ણય માત્ર જમીન ફાળવણી પૂરતો મર્યાદિત નથી, પરંતુ નવી મહાનગરપાલિકાઓને આત્મનિર્ભર, સુવ્યવસ્થિત અને આધુનિક શહેર તરીકે વિકસાવવા માટેનો મજબૂત પાયો છે. પોરબંદર મહાનગરપાલિકા પણ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વિકાસના વિવિધ પ્રકલ્પોને ઝડપથી સાકાર કરી નાગરિકોને ઉત્તમ શહેરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya