પ્રેમિકા સાથે લગ્ન માટે પત્નીને કેનાલમાં ફેંકી હત્યા કરી, પતિએ મિત્ર સાથે રચ્યું કાવતરું
પાટણ, 11 જુલાઈ (હિ.સ.) પાટણ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમ સંબંધના કારણે પત્નીની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 02-07-2026ના રોજ વહેલી સવારે પતિએ પોતાના મિત્ર સાથે મળીને પત્નીને ચંદ્રુમણા નર્મદા કેનાલના પુલ પરથી પાણીમાં ફેંકી હત્ય
પ્રેમિકા સાથે લગ્ન માટે પત્નીને કેનાલમાં ફેંકી હત્યા કરી, પતિએ મિત્ર સાથે રચ્યું કાવતરું


પાટણ, 11 જુલાઈ (હિ.સ.) પાટણ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમ સંબંધના કારણે પત્નીની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 02-07-2026ના રોજ વહેલી સવારે પતિએ પોતાના મિત્ર સાથે મળીને પત્નીને ચંદ્રુમણા નર્મદા કેનાલના પુલ પરથી પાણીમાં ફેંકી હત્યા કરી આત્મહત્યાનું નાટક રચ્યું હતું. આ મામલે મૃતકના ભાઈ રતાજી નારણજી ઠાકોરે પતિ સકતાજી ભેમાજી ઠાકોર અને તેના મિત્ર કિશનજી રમેશજી ઠાકોર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, મૂળ સુદ્રોસણ ના વતની અને હાલ કંબોઈની સીમમાં રહેતા સકતાજીને છેલ્લા દોઢ વર્ષથી અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આ બાબતે પત્ની મંજુલાબેનને જાણ થતાં બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. પ્રેમિકા સાથે લગ્ન કરવાનો ઈરાદો રાખીને સકતાજીએ મિત્ર કિશનજી સાથે મળીને પત્નીની હત્યાનું પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું.

01-07-2026ના રોજ સકતાજી પોતાની ઇકો કારમાં દૂધી વેચવા પાટણ ગયો હતો અને પરત ફરતી વખતે રાત્રે અંદાજે 12:30 થી 12:45 વાગ્યા દરમિયાન ચંદ્રુમણા કેનાલના પુલ પર મિત્રને બોલાવ્યો હતો. કિશનજીએ કેનાલમાં કોઈ પડી ગયું હોવાનું નાટક કરતાં મંજુલાબેન નીચે ઉતર્યા હતા, ત્યારે બંને આરોપીઓએ તેમને પગથી પકડી કેનાલમાં ફેંકી દીધા હતા.

ઘટના બાદ સકતાજીએ પરિવારને પત્નીએ આત્મહત્યા કરી હોવાનું કહી ભ્રમ ફેલાવ્યો હતો. જોકે 10-07-2026ની મધરાત્રે અંદાજે 01:00 વાગ્યે તેણે પોતાના સાળા રતાજી ઠાકોર સમક્ષ સમગ્ર કાવતરાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પાટણ તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande