વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે શ્રી સરસ્વતી મહાવિદ્યાલયમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન
સુરત, 11 જુલાઈ (હિ.સ.) જયદીપ મેમોરિયલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી સરસ્વતી મહાવિદ્યાલય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સુરત ખાતે કાર્યકારી આચાર્યા સ્વર્ણિમા જૈનના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગ અને રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમના સ
Surat NSS


સુરત, 11 જુલાઈ (હિ.સ.) જયદીપ મેમોરિયલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી સરસ્વતી મહાવિદ્યાલય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સુરત ખાતે કાર્યકારી આચાર્યા સ્વર્ણિમા જૈનના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગ અને રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમના સંયુક્ત ઉપક્રમે 11 જુલાઈ, 2026ના રોજ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં મહાવિદ્યાલયના કુલ 17 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વસ્તી, વિકાસ, સંસાધનોનો સંતુલિત ઉપયોગ અને ટકાઉ વિકાસ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વસ્તી સંબંધિત સમકાલીન મુદ્દાઓ પ્રત્યે જાગૃતિ વિકસાવવાનો તેમજ તેમની વક્તૃત્વ કળાને પ્રોત્સાહન આપવાનો હતો.

વિદ્યાર્થીઓની વિચારપ્રસ્તુતિ બાદ પ્રાધ્યાપક હાર્દિકકુમાર શેલડિયાએ વસ્તીવૃદ્ધિના ભૌગોલિક, આર્થિક અને સામાજિક પાસાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતની સૌથી મોટી શક્તિ તેની યુવા વસ્તી છે. જો યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારની પૂરતી તકો ઉપલબ્ધ કરાવવામાં આવે, તો તેઓ રાષ્ટ્રના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

ત્યારબાદ પ્રાધ્યાપિકા જયા પંડિતે વસ્તી અને વિકાસ વચ્ચે સંતુલન જાળવવા, સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા તેમજ જાગૃત નાગરિક બનવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓના વક્તૃત્વ કૌશલ્ય અને વિષયવસ્તુનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરીને જરૂરી સૂચનો પણ આપ્યાં હતાં.

સ્પર્ધામાં સિદ્ધાર્થ પાંડેએ પ્રથમ સ્થાન, શિવ રાઠોડે દ્વિતીય સ્થાન અને પીયૂષ શર્માએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તમામ સ્પર્ધકોને સહભાગિતા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. જે વિદ્યાર્થીઓને પુરસ્કાર પ્રાપ્ત થયો નહોતો, તેમને નિરાશ ન થઈ ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના કાર્યક્રમ અધિકારી પ્રો. હાર્દિકકુમાર પી. શેલડિયાએ કાર્યક્રમના સફળ આયોજન માટે જયદીપ મેમોરિયલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. યોગિતા શારદા, કોલેજ કેમ્પસ ડિરેક્ટર શ્યામલી બરગલે, સમગ્ર મહાવિદ્યાલય પરિવાર, NSSના તમામ સ્વયંસેવકો તેમજ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓનો અમૂલ્ય સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande