
અમદાવાદ, 11 જુલાઇ (હિ.સ.) : અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં ગેંગસ્ટર કાલુ ગરદન અને સાગરીતો સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જુહાપુરા વિસ્તારમાં રહેતા મેહમુદ મારૂએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કાલુ ગરદન, તેનો ભાઈ સુલતાન, ફરદીન ઉર્ફે પાવલી સહિત પાંચ શખસો સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે.
અગાઉ નોંધાયેલા મારામારીના કેસમાં સમાધાન કરવા કાલુ ગરદન અને તેના સાગરીતો મેહમુદનો સંપર્ક કરવા આવ્યા હતા. જોકે મેહમુદે સમાધાન કરવાની સ્પષ્ટ ના પાડતા બોલાચાલી ઉગ્ર બનતા આરોપીઓએ મેહમુદ પર હુમલો કર્યો હતો. જેમાં મેહમુદને ઈજા પહોંચી હતી અને જે અંગે વેજલપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
કાલુ ગરદન અમદાવાદના જુહાપુરા, સરખેજ અને વેજલપુર વિસ્તારમાં લાંબા સમયથી કુખ્યાત ગેંગસ્ટર તરીકે ઓળખાય છે. તેની સામે હત્યાનો પ્રયાસ, ખંડણી, ગેરકાયદે દારૂના ધંધા, લેન્ડ ગ્રેબિંગ અને હુમલા સહિતના 30થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં છે. તેની ગેંગ સામે સંગઠિત ગુનાખોરીને પગલે ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે.
ભૂતકાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાલુ ગરદનની ગેરકાયદેસર મિલકતો અને દબાણો પર બુલડોઝર ચલાવી કાર્યવાહી કરી હતી. અનેક વખત જેલમાં જઈ ચૂકેલા કાલુ ગરદનનું નામ ફરી હુમલાના કેસમાં સામે આવતાં પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ