જૂનાગઢના યાત્રાધામ ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો, મુખ્ય સીડી સામાન્ય અવરજવર માટે બંધ
- જૂનાગઢમાં માંડ 50 પગથિયા ચઢ્યા ત્યાં સિંહે હુમલો કર્યો. જૂનાગઢ, 11 જુલાઇ (હિ.સ.) : જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂનાગઢના યાત્રાધામ ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો, મુખ્ય સીડી
A lion dragged a child while climbing the Girnar pilgrimage site in Junagadh, the main staircase was closed for general traffic.


- જૂનાગઢમાં માંડ 50 પગથિયા ચઢ્યા ત્યાં સિંહે હુમલો કર્યો.

જૂનાગઢ, 11 જુલાઇ (હિ.સ.) : જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂનાગઢના યાત્રાધામ ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો, મુખ્ય સીડી સામાન્ય અવરજવર માટે બંધ કરી દેવામાં આવી.

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના નિર્દોષ બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો.

વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને વન વિભાગ તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે. હાલ ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર બંધ કરી દેવામાં આવી છે. બાળકના કુટુંબી કાકા ચૌહાણ અનિલકુમારસિંહ નટવરસિંહે જણાવ્યું હતું કે, તેઓ સવારે ગિરનારના પગથિયાં ચડી રહ્યા હતા ત્યારે ગેટથી અંદર આશરે 50 જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહે આવીને પાછળથી ભત્રીજા મયુરસિંહ મહેન્દ્રસિંહ પર તરાપ મારી હતી.

સિંહ બાળકને હાથમાંથી જ ખેંચીને જંગલ તરફ ભાગ્યો હતો, જેના કારણે ભારે દોડધામ અને ચીસાચીસ થઈ ગઈ હતી. ત્યારબાદ શોધખોળ કરતાં જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા છે. તેમણે વહીવટી તંત્ર સામે રોષ ઠાલવતા માંગ કરી છે કે સીડીઓ પર લાઈટની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે અંધારામાં વન્યજીવ બેઠો હોય તો પણ ખ્યાલ નથી આવતો, જેથી અહીં તાત્કાલિક લાઈટની સગવડ કરવી જોઈએ અને અમુક અંતરે ફોરેસ્ટ ઓફિસર તહેનાત કરવા જોઈએ.

આ ઘટનાના પ્રત્યક્ષદર્શી અને સગા સંદીપભાઈએ વિગતો આપતા કહ્યું હતું કે, તેઓ રાત્રે ગિરનારમાં રોકાયા હતા અને સવારે આશરે પોણા છ વાગ્યે 50થી 60 જેટલા યાત્રિકો સાથે ચઢવાનું શરૂ કર્યું હતું. માંડ 50 પગથિયાં ચડ્યા ત્યાં જ અચાનક સિંહે આવીને બાળક મયુરસિંહને ઉઠાવી લીધો હતો. સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ સિંહ ગિરનારની સીડીઓની આસપાસ જ બેસી રહેતો હતો, તેમ છતાં લાઈટ કે સુરક્ષાની પૂરતી સુવિધા ન હોવાથી આ મોટી દુર્ઘટના સર્જાઈ છે.

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા હાલ મુખ્ય સીડીનો આજુબાજુનો વિસ્તાર તદ્દન બંધ કરાવી દેવામાં આવ્યો છે અને શ્રદ્ધાળુઓને અવરજવર કરવા માટે જટાશંકર નજીકની જૂની સીડી તરફથી જવાની સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ વન વિભાગની અલગ-અલગ ટીમો બનાવીને સિંહની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને તેને પકડવા માટે ઘટનાસ્થળની આસપાસ પાંજરા પણ ગોઠવી દેવાયા છે. જો કે, ઘટનાના બે કલાક સુધી આરએફઓ સ્થળ પર ન પહોંચ્યા હોવાના આક્ષેપો સાથે સ્થાનિક સ્ટાફે વહેલી સવારથી જ આગળની સઘન કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande