વંથલી તાલુકાના સુખપુર ગામે દિવસે ગામની સીમમાં સિંહણના આંટાફેરા ગ્રામજનોમાં ભયનો માહોલ, વન્યજીવોનો આતંક યથાવત
- સુખપુર ગૌશાળામાં દીપડાનો હુમલો, ગાયનું મારણ વંથલી/અમદાવાદ,11 જુલાઇ (હિ.સ.) : વંથલી તાલુકાના સુખપુર ગામમાં ધોળા દિવસે સિંહણના આંટાફેરા જોવા મળ્યા હતા. સ્થાનિકોએ સિંહણના વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા, દિવસના સમયે ગામની નજીક સિંહણ જોવા મળતા
વંથલી તાલુકાના સુખપુર ગામે દિવસે ગામની સીમમાં સિંહણના આંટાફેરા ગ્રામજનોમાં ભયનો માહોલ, વન્યજીવોનો આતંક યથાવત


- સુખપુર ગૌશાળામાં દીપડાનો હુમલો, ગાયનું મારણ

વંથલી/અમદાવાદ,11 જુલાઇ (હિ.સ.) : વંથલી તાલુકાના સુખપુર ગામમાં ધોળા દિવસે સિંહણના આંટાફેરા જોવા મળ્યા હતા. સ્થાનિકોએ સિંહણના વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા, દિવસના સમયે ગામની નજીક સિંહણ જોવા મળતાં લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.

વંથલી તાલુકાના સુખપુર ગામ અને આસપાસના વિસ્તારમાં વન્યજીવોના સતત આંટાફેરાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી દીપડી અને સિંહણ ગામની સીમ સુધી પહોંચી જતાં લોકોમાં ચિંતા વધી રહી છે.

એક તરફ વન વિભાગના સી.એમ ચૌહાણ તેમજ સ્ટાફ દ્વારા છટકું ગોઠવી દીપડીને પાંજરે પકડી હતી, તો બીજી તરફ ધોળા દિવસે ગામની સીમમાં સિંહણના આંટાફેરા જોવા મળતાં ગ્રામજનોમાં દહેશત ફેલાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, સુખપુર ગામની વાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડી જોવા મળતી હોવાની ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી.

આ ફરિયાદના આધારે વન વિભાગ દ્વારા વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેના પરિણામે ગઈ રાત્રે દીપડી પાંજરે પુરાઈ હતી. દીપડી પકડાયા બાદ વન વિભાગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને તેને વધુ તપાસ તથા સારવાર માટે અમરાપુર એનિમલ કેર ખાતે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.

વંથલી તાલુકાના સુખપુર ગામમાં ફરી એકવાર દીપડાના હુમલાનો બનાવ સામે આવ્યો છે. ગામની ગૌશાળામાં દીપડાએ આશરે 15 ફૂટ ઊંચી દીવાલ કૂદીને પ્રવેશ કર્યો હતો અને એક ગાયનું મારણ કર્યું હતું. આ ઘટનાથી પશુપાલકો અને ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.

મહત્વપૂર્ણ છે કે, આ ઘટનાના માત્ર એક દિવસ અગાઉ જ વન વિભાગ દ્વારા સુખપુર ગામમાંથી એક દીપડીને પાંજરે પકડી સક્કરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવી હતી. તેમ છતાં, ફરીથી દીપડાએ ગૌશાળામાં ઘૂસીને હુમલો કરતાં ગ્રામજનોમાં ચિંતા વધી છે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી ગામની આસપાસ દીપડા, સિંહ સહિતના જંગલી પ્રાણીઓની અવરજવર જોવા મળી રહી છે. જેના કારણે લોકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકો, સાંજ અને રાત્રિના સમયે બહાર નીકળતા ડરી રહ્યા છે.

પશુપાલકો પણ પોતાના પશુઓની સુરક્ષાને લઈને ચિંતિત છે.

હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક અસરકારક પગલાં લેવા, સતત પેટ્રોલિંગ વધારવા અને જંગલી પ્રાણીઓને ઝડપીને સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરી છે. વન વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande