રથયાત્રા નિમિત્તે સરસપુરના પ્રાચીન મોસાળમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય મામેરું
- મથુરાના કલાત્મક વાઘા અને કિંમતી આભૂષણો અર્પણ અમદાવાદ, 11 જુલાઇ (હિ.સ.) : ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા 16 જુલાઈના રોજ નીકળવાની છે. ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રા નિમિત્તે સરસપુરની વાસણ શેરીમાં અને રણછોડરાયજી મંદિરમાં આવેલા ભગવાન જગન્નાથના પ્
A grand mameru of Lord Jagannathji in the ancient mosal of Saraspur


- મથુરાના કલાત્મક વાઘા અને કિંમતી આભૂષણો અર્પણ

અમદાવાદ, 11 જુલાઇ (હિ.સ.) : ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા 16 જુલાઈના રોજ નીકળવાની છે. ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રા નિમિત્તે સરસપુરની વાસણ શેરીમાં અને રણછોડરાયજી મંદિરમાં આવેલા ભગવાન જગન્નાથના પ્રાચીન જુના મોસાળ તરીકે ઓળખાતા ભલા ભગતની જગ્યા સ્થિત રણછોડજી મંદિરે ઐતિહાસિક મામેરાની પરંપરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

માન્યતા મુજબ, આ જ સ્થળેથી વર્ષો પહેલાં ભગવાનને મામેરું અર્પણ કરવાની સાથે સાધુ-સંતો, મહંતો અને ભક્તજનો માટે ભોજન પ્રસાદ તથા વિશ્રામની પરંપરાની શરૂઆત થઈ હતી.

શુભ દેવશયની અગિયારસના પાવન અવસરે ભગવાન જગન્નાથજીના લાખેણા મામેરાના ભવ્ય દર્શન યોજાયા. આ વર્ષે સાત વર્ષ બાદ દવે પરિવાર દ્વારા ભગવાનનું મામેરું કરવામાં આવી રહ્યું છે, જેને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભગવાન જગન્નાથજી માટે મથુરા-વૃંદાવનના કારીગરો દ્વારા તૈયાર કરાયેલો વિશેષ મુગટ તેમજ સુંદર કલાત્મક વાઘા અને આભૂષણો અર્પણ કરવામાં આવ્યા. ભગવાનને રજવાડી મોરપીંછવાળી પાઘ પણ અર્પણ કરવામાં આવશે. ભગવાન સુભદ્રાજીને રાણી રંગના વાઘા સાથે પાર્વતી શૃંગાર, નથ, સોના-ચાંદીના આભૂષણો અર્પણ કરાયા. તેમાં ત્રણ સોનાની વીટી, સોનાનો દોરો, ચાંદીની પાયલ, કંદોરો, ઝૂડો અને વીંછિયા સહિતના આભૂષણોનો સમાવેશ થાય છે.ભગવાન જગન્નાથને મામેરા સ્વરૂપે કિંમતી આભૂષણો, નવા વાઘા, વાંસળી, સુદર્શન ચક્ર, મોર મુકુટ સહિત વિવિધ પવિત્ર ભેટો અર્પણ.બહેન સુભદ્રાજીને સોળ શણગાર અને ભાઈ બલરામજીને હળની ભેટ

આ ઉપરાંત ભગવાનને ચાંદીનો તુલસીનો ક્યારો પણ અર્પણ કરવામાં આવ્યો. મથુરા-વૃંદાવનના કારીગરોની કળાથી તૈયાર થયેલા આ વાઘા અને આભૂષણો ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ વર્ષે પણ પરંપરાગત વિધિ મુજબ ભગવાન જગન્નાથને મામેરા સ્વરૂપે કિંમતી આભૂષણો, નવા વાઘા, વાંસળી, સુદર્શન ચક્ર, મોર મુકુટ સહિત વિવિધ પવિત્ર ભેટો અર્પણ કરવામાં આવી હતી.ઉપરાંત ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાજી માટે સોળ શણગારની તમામ સામગ્રી તેમજ મોટા ભાઈ ભગવાન બલરામજી માટે હળ પણ શ્રદ્ધાભાવપૂર્વક ભેટ સ્વરૂપે સમર્પિત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ-સંતો, મહંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી. ભક્તજનો માટે મહાપ્રસાદ અને ભોજન સેવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે જય જગન્નાથના ગુંજતા નાદ સાથે મામેરાની આ ઐતિહાસિક પરંપરાને ભવ્યતા અને શ્રદ્ધાપૂર્વક નિભાવવામાં આવી હતી.

ધાર્મિક આગેવાનોના જણાવ્યા મુજબ, સરસપુરના પ્રાચીન જુના રણછોડજી મંદિરે ઉજવાતી આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ નહીં, પરંતુ અમદાવાદની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું જીવંત પ્રતિક છે, જે નવી પેઢીને શહેરના ગૌરવશાળી ધાર્મિક ઇતિહાસ સાથે જોડવાનું કાર્ય કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande