
- ગોપકા દ્વારા વડોદરા વિભાગના સાત જિલ્લાઓના 327 કૃષિ અધિકારીઓ અને ફિલ્ડ સ્ટાફને પ્રાકૃતિક કૃષિ પેદાશોના પ્રમાણીકરણ અંગે અપાઈ તાલીમ
વડોદરા, 11 જુલાઇ (હિ.સ.) : ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી (ગોપકા), અમદાવાદ દ્વારા સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ), વડોદરા વિભાગના કાર્યવિસ્તાર હેઠળ આવતા વડોદરા, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાઓના કૃષિ વિભાગના અધિકારીઓ અને ફિલ્ડ સ્ટાફ માટે પ્રાકૃતિક કૃષિ પ્રમાણીકરણ વિષયક એક દિવસીય તાલીમ-કમ-વર્કશોપનું આયોજન ત્રિમંદિર, વરણા ખાતે કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં નાયબ ખેતી નિયામકો, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, આત્મા કચેરીનો સ્ટાફ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અધિકારીઓ, મદદનીસ ખેતી નિયામકો, ખેતીવાડી અધિકારીઓ, ખેતી મદદનીશો, વિસ્તરણ અધિકારીઓ, ગ્રામસેવકો તેમજ બાગાયત વિભાગના અધિકારીઓ સહિત કુલ 327 તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પ્રશિક્ષણ દરમિયાન ગોપકાના ડાયરેક્ટર તથા ઇવેલ્યુએટરએ પ્રાકૃતિક કૃષિ પેદાશોના પ્રમાણીકરણની પ્રક્રિયા, નિર્ધારિત ધોરણો, જરૂરી દસ્તાવેજીકરણ તેમજ ખેડૂતોને પ્રમાણીકરણ મેળવવા માટે માર્ગદર્શન આપવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત, તાલીમાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરી વ્યવહારુ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.
આ તાલીમથી સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ), વડોદરા વિભાગ હેઠળના તમામ જિલ્લાઓના ફિલ્ડ સ્તરના અધિકારીઓ અને કર્મચારીઓ પ્રાકૃતિક કૃષિ પ્રમાણીકરણ અંગે વધુ સક્ષમ બન્યા છે.
પરિણામે પ્રાકૃતિક કૃષિ અપનાવતા ખેડૂતોને તેમની કૃષિ પેદાશોનું પ્રમાણપત્ર મેળવવામાં જરૂરી માર્ગદર્શન સરળતાથી ઉપલબ્ધ થશે, જેનાથી પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન અને પ્રમાણિત કૃષિ પેદાશોના વ્યાપમાં વધારો થવાની અપેક્ષા છે.
આ તાલીમ-કમ-વર્કશોપનું સમગ્ર આયોજન સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ), વડોદરા વિભાગ તથા સંયુક્ત ખેતી નિયામક (જ.સ.), વડોદરા દ્વારા સુચારુ આયોજન સાથે સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ