



પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના સુભાષનગર ખાતે આવેલ એફ.ટી.હોલ ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિન-2026 નિમિત્તે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા મરીન પોલીસ તથા કોસ્ટ ગાર્ડ સાથે સંયુક્ત રીતે એક વિશેષ અવેરનેશ (જાગૃતિ) કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડૉ. હીરાલાલ ચૌધરી અને કે. એચ. અલીકુન્હી દ્વારા વર્ષ 1957 માં ઓડિસા ખાતે ઇન્ડીયન મેજર કાર્પમાં ઇન્યુસ બ્રીડીંગથી મત્સ્યબીજ ઉત્પાદન કરવામાં મેળવેલ ઐતિહાસિક સફળતાની યાદમાં અને મત્સ્યખેડૂતો, માછીમારો તેમજ પ્રોસેસરોએ મત્સ્યોદ્યોગના સર્વાંગી વિકાસમાં આપેલા મહત્વના યોગદાનને પ્રોત્સાહન આપવાનો છે, જેના ભાગરૂપે દર વર્ષે 10 જુલાઈના રોજ ભારત દેશના તમામ રાજ્યોમાં આ કાર્યક્રમ ઉજવાય છે. આ પ્રસંગે ઉપસ્થિત માછીમારોને સુરક્ષિત માછીમારી, કાયદાકીય જોગવાઈઓ તથા સરકારના મત્સ્યોદ્યોગ ખાતાની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને બાબતો અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન માછીમારોને ટેકનોલોજી અને સુરક્ષાના નિયમોની સમજ આપતા જણાવવામાં આવ્યું કે, રિયલક્રાફ્ટ પોર્ટલ પર નોંધાયેલ તમામ બોટોમાં ફરજિયાત ટ્રાન્સપોન્ડર ફિટ કરાવી તેને સતત ચાલુ સ્થિતિમાં રાખવું, માત્ર રજીસ્ટર્ડ બોટનું જ સંચાલન કરવું તેમજ બોટ ઓપરેશન દરમિયાન તમામ જરૂરી દસ્તાવેજો અનિવાર્યપણે સાથે રાખવા. આ ઉપરાંત, તમામ બોટોમાં ગુજરાત સરકાર દ્વારા નક્કી કર્યા મુજબનો નિયત કલરકોડ કરવો, માછીમારી વ્યવસાય માટે બહારથી આવેલ તમામ પરપ્રાંતિય ખલાસીઓ તથા ટંડેલની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરજિયાતપણે નોંધણી કરાવવી અને નવી FRP બોટના રજીસ્ટ્રેશન માટે બોટ જે બોટ બિલ્ડીંગ યાર્ડમાં તૈયાર કરાવવાની હોય તેની આગોતરી જાણ કચેરીમાં કરવા સહિત બોટો બનાવવા માટેના સત્તાવાર યાર્ડની જાણકારી આપવામાં આવી હતી. માછીમારોને MLS (મીનીમમ લીગલ સાઇઝ) ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા અને ફિશીંગ બાનના સમયગાળા દરમિયાન બોટ સર્વેની કામગીરીમાં તંત્રને સંપૂર્ણ સહકાર આપવા પણ અનુરોધ કરાયો હતો.
દરિયાઈ સફર દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે માછીમારોને દરિયામાં જતાં પહેલાં હવામાન ખાતાની 'સચેત એપ' ડાઉનલોડ કરી તેના પરથી સચોટ આગાહી મેળવીને જ સુરક્ષિત રીતે દરિયામાં પ્રસ્થાન કરવા જણાવાયું હતું. સાથે જ, 12 નોટીકલ માઇલથી 200 નોટીકલ માઇલ માટે તમામ ફિશીંગ બોટોને એક્સેસ પાસ વિના મુલ્યે મેળવી લેવા તથા 200 નોટીકલ માઇલથી ઉપરના વિસ્તારમાં માછીમારી કરવા માટે LOA (Letter of Permission) મેળવવા અંગે અવગત કર્યા હતા. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે QR કોડ વાળા PVC ઓળખકાર્ડ ટોકન સીસ્ટમમાં અપલોડ કરવા, માછીમારી દરમ્યાન તેને સાથે રાખવા, ડીઝલ કાર્ડ વગરની તમામ બોટોને વહેલી તકે નવા ડિઝલ કાર્ડ મેળવી લેવા તેમજ દરિયામાં જવા પૂર્વે જરૂરી જીવનરક્ષક અને સુરક્ષા સાધનો જેવા કે લાઈફ જેકેટ, વાયરલેસ/મોબાઇલ સંચાર સાધન અને ફર્સ્ટ એઇડ કિટ વગેરે ફરજિયાત સાથે રાખવાની કડક સૂચના આપવામાં આવી હતી.સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપતા અધિકારીઓ દ્વારા NFDP રજિસ્ટ્રેશન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના તેમજ ડીપ સી ફિશીંગ બોટો બનાવવા બાબતની યોજના, હોડી રિપ્લેસમેન્ટ, કોલ્ડરૂમ બનાવવા બાબત અને વુડનબોટ રિપ્લેશમેન્ટ યોજના અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જ, I-Khedut પોર્ટલ પર વિવિધ ઘટકોમાં વધુ અરજીઓ મેળવવા માટે હાલ આ પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે તેની જાહેરાત કરી, પોર્ટલ મારફતે Query Response તથા Claim Submission નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અંગે ખાસ સમજણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ માછીમારોએ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ અંગે ખૂબ જ ઉપયોગી માહિતી મેળવી હતી અને અંતમાં તમામને સરકારની સત્તાવાર માર્ગદર્શિકા મુજબના નિયમોનું ચુસ્ત પાલન કરી સુરક્ષિત અને જવાબદાર માછીમારી કરવા માટે ખાસ આહવાન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya