
પાટણ, 11 જુલાઈ (હિ.સ.) : પાટણના શિહોરી ત્રણ રસ્તા પાસે થયેલા માર્ગ અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુંપટ ગામના યુવક રવિ ગોવિંદજી સોલંકીનું કરુણ મૃત્યુ થયું છે. રવિ બાઈક પર ડીસાથી પોતાના ગામ પરત ફરી રહ્યો હતો ત્યારે ટર્બો ટ્રકની અડફેટે ગંભીર રીતે ઘાયલ થયો હતો. સ્થાનિકોએ તેને તાત્કાલિક પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મળતી માહિતી મુજબ, રવિ ડીસાની એક ખાનગી પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરતો હતો અને રોજની જેમ કામ પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યો હતો. અકસ્માતના સમાચાર મળતા પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. યુવકના અચાનક અવસાનથી પરિવાર અને ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
આ ઘટનાની સૌથી કરુણ બાબત એ છે કે રવિ સોલંકીના લગ્નને હજુ માત્ર ત્રણ મહિના જ થયા હતા. તેમના અકાળે અવસાનથી નવપરિણીત પત્ની પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ટર્બો ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે અકસ્માતના કારણોની વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ