
અમદાવાદ,11 જુલાઇ (હિ.સ.) રોજ રોજ સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવાના બનાવો વધી રહ્યા છે આવો જ એક બનાવ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી અર્થ સ્કૂલમાં શિક્ષિકાએ એક વિદ્યાર્થીને માર મારતા વિવાદ સર્જાયો છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અર્થ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષિકાએ હાથ પર માર માર્યો છે, જેના કારણે વિદ્યાર્થીના હાથ પર લાલ લાલ ઝામા પડી ગયા છે. વિદ્યાર્થીએ ઘરે જઈને વાલીને જાણ કરતા વાલીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઢાંક પીછોળો કરવા સોજો ન ઊતરે ત્યાં સુધી ઘરે પણ ન આવવા દીધો હોવાનો વાલીએ ગંભરી આક્ષેપ કર્યો છે.
બે દિવસ પહેલા વિદ્યાર્થી ક્લાસ અટેન્ડ ન કરતો હોવાથી તેની જાણ વાલીને કરવામાં આવી હતી. તેમજ શાળામાંથી કાઢી નાખવાની વિદ્યાર્થીને ધમકી આપવામાં આવી હોવાનો વાલીએ આક્ષેપ કર્યો છે, જેથી વિદ્યાર્થીની ફરિયાદ મળતા વાલી શાળાએ પહોચ્યા હતા. જે બાદ વાલીએ વિદ્યાર્થી સમયસર ક્લાસ અટેન્ડ કરશે તેવું માફી પત્રક લખી આપ્યું હતું. તેમજ શિક્ષકોની સામે વિદ્યાર્થીને ઠપકો આપી રેગ્યુલર ક્લાસ અટેન્ડ કરવા પણ કહ્યું હતું.
જો કે, તે બાદ ગઈકાલે વિદ્યાર્થી જ્યારે શાળાએ પહોંચ્યો ત્યારે 8 વાગ્યા આસપાસ શિક્ષિકાએ તેને હાથ પર માર માર્યો હતો. તેમજ માર મારવાના કારણે વિદ્યાર્થીના હાથ પર સોજો આવી ગયો અને લાલ ઝામા પણ પડી ગયા હતા, તેમ છતાં શાળાએ તેની દવા ન કરાવી હોવાનો પણ વાલીએ આક્ષેપ કર્યો છે. તેમજ વિદ્યાર્થીનો સોજો ઊતરી જાય તે માટે તેને 1 વાગ્યા સુધીમાં શાળામાં બેસાડી રાખ્યા હોવાનો પણ વાલીએ આક્ષેપ કર્યો છે.
એક વાગ્યા બાદ પણ વિદ્યાર્થીના હાથ પરથી સોજો ન ઊતરતા તેને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. તેમજ ઘરે આવ્યા પછી વિદ્યાર્થી રડતો હોવાથી અને જમવાનું પણ ન ખાતો હોવાથી માતાએ કારણ પૂછ્યું હતું. જે બાદ વિદ્યાર્થીએ રડતા-રડતા શિક્ષિકાએ માર માર્યો હોવાથી સોજો આવી ગયું હોવાની જાણ કરી હતી. જેથી વાલીએ વિદ્યાર્થીને કેમ માર મારવામાં આવ્યો અને હાથ પર સોજો આવી ગયો છતા વાલીને કેમ જાણ કરવામાં ન આવી? તેનો જવાબ માંગતા શાળાએ કોઈ જવાબ આપ્યો ન હોવાનો વાલીએ દાવો કર્યો છે. તેમજ સામાન્ય બાબતમાં ગંભીર રીતે વિદ્યાર્થીને માર મારતા વાલીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ