
ભાવનગર, 12 જુલાઈ (હિ.સ.) : મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં 10 વર્ષના બાળક પર જીવલેણ હુમલો કરીને તેનું મોત નિપજાવનાર દીપડાની ઘટનાના અનુસંધાને વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન કોમ્બિંગ અને ટ્રેપિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મોટા આસરાણા ગામની સીમ વિસ્તારમાંથી વધુ એક માદા દીપડાને સફળતાપૂર્વક પકડી પાડવામાં આવ્યો છે.
તાજેતરમાં બાંભણિયા ગામમાં બનેલી દુઃખદ ઘટનાએ સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જ્યો હતો. ઘટનાને પગલે વન વિભાગની ટીમોએ સતત પેટ્રોલિંગ શરૂ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પાંજરાં ગોઠવ્યા હતા તેમજ દીપડાની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન મોટા આસરાણા ગામની સીમમાં ગોઠવાયેલા પાંજરામાં એક માદા દીપડો ઝડપાયો હતો.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે પકડાયેલા દીપડાની તબીબી તપાસ સહિત જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાથે જ બાંભણિયા ગામની ઘટનામાં આ જ દીપડાની સંડોવણી હતી કે નહીં તે અંગે વૈજ્ઞાનિક પુરાવા અને અન્ય તપાસના આધારે જ સ્પષ્ટતા કરવામાં આવશે. હાલમાં આ અંગે તપાસ ચાલુ છે.
દીપડાને પકડવામાં સફળતા મળતાં આસપાસના ગામોના લોકોને આંશિક રાહતનો અનુભવ થયો છે, જોકે વન વિભાગે લોકોને હજુ પણ સાવચેતી રાખવાની અપીલ કરી છે. ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવું, બાળકોને એકલા ખેતરો કે વાડીઓમાં ન મોકલવા તેમજ દીપડો દેખાય તો તરત જ વન વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.
વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ, ટ્રેપ કેમેરા દ્વારા દેખરેખ અને જરૂરિયાત મુજબ વધારાના પાંજરાં ગોઠવવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે, જેથી માનવ-વન્યજીવ સંઘર્ષની આવી ઘટનાઓને અટકાવી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA