માહિતી યુદ્ધના યુગમાં, સાચી માહિતી અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે જાગૃત બનવાની જરૂર: પ્રો. (ડૉ.) શિરીષ કાશીકર
ગાંધીનગર, 12 જુલાઈ (હિ.સ.) : ભારતીય વિચાર મંચ, ગાંધીનગર દ્વારા વર્તમાન સમયમાં માહિતી, વિચારધારા અને વૈશ્વિક નેરેટિવ્સના બદલાતા પરિપ્રેક્ષ્યને સમજવા માટે LikeWar : The Battle for Minds, Narratives and Civilization વિષય પર વિશેષ વિચાર ગોષ્ઠિનું આયો
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 12 જુલાઈ (હિ.સ.) : ભારતીય વિચાર મંચ, ગાંધીનગર દ્વારા વર્તમાન સમયમાં માહિતી, વિચારધારા અને વૈશ્વિક નેરેટિવ્સના બદલાતા પરિપ્રેક્ષ્યને સમજવા માટે LikeWar : The Battle for Minds, Narratives and Civilization વિષય પર વિશેષ વિચાર ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, અમદાવાદના ડાયરેક્ટર પ્રો. (ડૉ.) શિરીષ કાશીકર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ડિજિટલ યુગમાં માહિતી યુદ્ધ (Information War), સોશિયલ મીડિયાનો જનમાનસ પર પડતો પ્રભાવ, નેરેટિવ્સની રચના તેમજ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા સામે ઊભા થતા પડકારો અંગે વિસ્તૃત અને તર્કસંગત માર્ગદર્શન આપ્યું.

પ્રો. કાશીકરે જણાવ્યું કે, આજે વિશ્વ પરંપરાગત યુદ્ધો ઉપરાંત ડિજિટલ યુદ્ધના નવા યુગમાં પ્રવેશી ચૂક્યું છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ માત્ર માહિતીનાં માધ્યમ નથી, પરંતુ જનમાનસને પ્રભાવિત કરવાનાં શક્તિશાળી સાધન બની ગયા છે. તેમણે જણાવ્યું કે, ઉપલબ્ધ જાહેર અહેવાલો અનુસાર ગુજરાતમાં મોબાઇલ ફોનનો વ્યાપ અત્યંત મોટો છે અને સ્માર્ટફોનના વધતા ઉપયોગને કારણે લોકોનો મોટો સમય ડિજિટલ માધ્યમોમાં પસાર થાય છે. ખાસ કરીને યુવાનો દરરોજ સરેરાશ પાંચથી છ કલાક મોબાઇલ પર વિતાવતા હોવાથી તેની માનસિક અને સામાજિક અસરો પણ જોવા મળે છે.

તેમણે જણાવ્યું કે, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે સંચારને સરળ બનાવ્યો છે, પરંતુ તેની સાથે માહિતીની વિશ્વસનીયતા, દૃષ્ટિકોણ (Perspective) અને સંદેશ (Message) વચ્ચેનો ભેદ સમજવો પણ એટલો જ જરૂરી છે. ડિજિટલ માધ્યમોમાં દરેક વ્યક્તિ સુધી તેની પસંદગી, વર્તન અને રસરુચિને આધારે ચોક્કસ પ્રકારની માહિતી પહોંચાડવામાં આવે છે. તેથી આપણે જે માહિતી જોઈ રહ્યા છીએ તે સંપૂર્ણ વાસ્તવિકતા જ હોય એવું જરૂરી નથી.

પ્રો. કાશીકરે જણાવ્યું કે, ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સ યુવા પેઢીને સૌથી વધુ આકર્ષે છે અને ડિજિટલ વિશ્વ એક આભાસી દુનિયા છે. તેમણે મીડિયા વિકાસના ક્રમમાં અખબાર, આકાશવાણી, ટેલિવિઝન અને હવે ડિજિટલ મીડિયાના પ્રભાવની ચર્ચા કરી હતી. ફિલ્મોને 'સોફ્ટ મીડિયમ' ગણાવતાં તેમણે કહ્યું કે તેનો સમાજના વિચારો અને માનસ પર અત્યંત ઊંડો પ્રભાવ પડે છે.

તેઓએ માહિતી યુદ્ધનાં વિવિધ પાસાંઓ જેવાં કે પ્રોપેગન્ડા, મિસઇન્ફોર્મેશન, ડિસઇન્ફોર્મેશન, સાયકોલોજિકલ ઓપરેશન, સાઇબર વોર અને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)ની વધતી ભૂમિકા અંગે પણ વિસ્તૃત સમજણ આપી. ભારતીય સંસ્કૃતિ, મૂલ્યો અને સભ્યતાના સંરક્ષણ માટે ટેક્નોલોજીનો સકારાત્મક અને જવાબદાર ઉપયોગ કરતી મજબૂત વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો.

વ્યાખ્યાન દરમિયાન E20 પેટ્રોલ, કોક્રોચ જનતા પાર્ટી તથા સતલુજ ફિલ્મ સહિતના વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવ્યું કે આંતરરાષ્ટ્રીય સત્તાઓ, સરકારો, વિપક્ષો અને કોર્પોરેટ જગત ડિજિટલ માધ્યમો દ્વારા નેરેટિવ્સ કેવી રીતે ઘડે છે અને તેનો સમાજ પર કેવો પ્રભાવ પડે છે જેવી વિગતોની પણ છણાવટ કરી.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત નાગરિકોએ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો. પ્રો. કાશીકરે તમામ પ્રશ્નોના વિગતવાર જવાબ આપી ઉપસ્થિત પ્રબુદ્ધ જનોને વિષય અંગે વધુ સ્પષ્ટ સમજણ આપી હતી.

આ વિચાર ગોષ્ઠિમાં કેન્દ્રના વરિષ્ઠ કાર્યકર્તા સંજયસિંહ રાઠોડ દ્વારા, વક્તાનું સન્માન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમનું સફળ સંચાલન સહમંત્રી ડૉ. અજયભાઈ રાવલ દ્વારા તેમજ અંતે મંત્રી અભિષેક બારડ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો, શિક્ષણવિદો, પત્રકારો, યુવાનો અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande