




કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) : કચ્છી નવા વર્ષે કચ્છ યુનિવર્સિટીનું પ્રાંગણ જ્ઞાન, સંશોધન અને સાહિત્યના અનોખા સમન્વયનું સાક્ષી બન્યું હતું. કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી, કચ્છી સાહિત્ય કલા સંઘ-મોરઝર અને ગુજરાતી ભાષા ભવનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ભવ્ય સમારોહમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાના હસ્તે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રના બે મહત્વપૂર્ણ ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંશોધન અને માતૃભાષાના સંવર્ધનના મહત્વ પર ભાર મૂકાયો હતો.
સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ યુનિવર્સિટીના કુલસચિવ ડો. અનિલ ગોરે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. કચ્છી સાહિત્ય કલા સંઘના પ્રમુખ દિલીપ રાજા કાપડીએ યુનિવર્સિટી સાથે થયેલા એમઓયુ બાદ યોજાયેલા આ પ્રથમ સંયુક્ત કાર્યક્રમને ઐતિહાસિક ગણાવ્યો હતો. કુલપતિ ડો. મોહન પટેલે કચ્છી ભાષા અને તેના સાહિત્યના સંવર્ધન માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે નખત્રાણા તાલુકાના સુખપર (રોહા) ગામના વતની, કવયિત્રી અને શિક્ષિકા ડો. કોમલ સચદેના સંશોધન ગ્રંથ 'શિક્ષણામૃત'નું વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકનું અનાવરણ કરતાં સાંસદ વિનોદ ચાવડાએ ડો. કોમલ સચદેની સિદ્ધિઓની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેઓ સુખપર ગામનું ગૌરવ છે અને તેમનું સંશોધન શિક્ષણ જગતને નવી દિશા આપનારું સાબિત થશે. તેમણે જણાવ્યું કે આવા અભ્યાસલક્ષી ગ્રંથો શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ડો. કોમલ સચદેના પીએચ.ડી. સંશોધનમાં માર્ગદર્શક તરીકે ડો. દિનેશ પટેલે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે ડો. દક્ષા મહેતાએ આ કૃતિને શિક્ષણ અને સાહિત્યના ઊંડા અભ્યાસનું મૂલ્યવાન દસ્તાવેજ ગણાવ્યો હતો.
કાર્યક્રમમાં કચ્છી સાહિત્યને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડતી વધુ એક મહત્વપૂર્ણ ક્ષણ પણ સર્જાઈ હતી. જાણીતા સર્જક વિશ્રામ ગઢવી 'લાયજા'ના લોકપ્રિય કચ્છી વાર્તાસંગ્રહ 'ઓમાણ'ના હિન્દી અનુવાદ 'અમાનત'નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. વર્ષ 2019માં શ્રેષ્ઠ ગદ્ય પુસ્તક તરીકે સન્માનિત થયેલી આ કૃતિનો હિન્દી અનુવાદ સ્વ. ડો. માધુરી છેડાએ તૈયાર કર્યો હતો. આ અનુવાદ દ્વારા કચ્છી સાહિત્યને રાષ્ટ્રીય વાચકવર્ગ સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ થયો હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું. ડો. કાશ્મીરા મહેતાએ જણાવ્યું કે, પ્રાદેશિક ભાષાની શ્રેષ્ઠ કૃતિઓ અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ થવાથી સ્થાનિક સાહિત્યને વ્યાપક ઓળખ મળે છે.
પુસ્તકોના સર્જકો વિશ્રામ ગઢવી 'લાયજા' અને ડો. કોમલ સચદેએ પોતાના સર્જનપ્રવાસ દરમિયાન સહયોગ આપનારા તમામ વ્યક્તિઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને સાહિત્ય સર્જનને સતત પ્રોત્સાહન મળતું રહે તેવી આશા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં નારાયણ જોશી 'કારાયલ', પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, દેવરાજ ગઢવી, રાજેન્દ્રસિંહ જાડેજા, રામભાઈ ગઢવી, મહંત વંકાનાથજી સહિત અનેક મહાનુભાવો, સાહિત્યકારો, પ્રોફેસરો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો. તીર્થંકર રોહડિયાએ કર્યું હતું, જ્યારે અંતમાં રાજેન્દ્રસિંહ પલે આભારવિધિ કરી હતી. ઉપસ્થિત મહેમાનોને હરેશ ધોળકિયાના પ્રેરણાદાયી પુસ્તક 'વિઝનની કેળવણી'ની ભેટ આપવામાં આવી હતી તેમજ એડવોકેટ પ્રવીણ વીરાના સૌજન્યથી કચ્છી પેંડાનું વિતરણ કરીને સમારોહને યાદગાર બનાવવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar