
મહેસાણા, 16 જુલાઈ (હિ.સ.)
ઊંઝાના વિશ્વપ્રસિદ્ધ જીરા અને વરિયાળીને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન (GI Tag) મળતા કૃષિ અને વેપાર ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. આ ઉપલબ્ધિને લઈને સમગ્ર પંથકના ખેડૂતો અને વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ સિદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ના ચેરમેન દિનેશભાઈ પટેલનું FISS Unjha, વેપારી મંડળ અને ઊંઝા વેપારી એસોસિએશન દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેમને સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
વેપારી આગેવાનોએ જણાવ્યું હતું કે GI Tag મળવાથી ઊંઝાના જીરા અને વરિયાળીને વૈશ્વિક બજારમાં આગવી ઓળખ મળશે તેમજ બ્રાન્ડ વેલ્યુમાં વધારો થશે. આ સાથે ખેડૂતોને તેમના પાકના વધુ સારા ભાવ મળવાની શક્યતા વધશે, જેનાથી સ્થાનિક કૃષિ અર્થતંત્રને પણ પ્રોત્સાહન મળશે.
સન્માન સ્વીકારતા APMC ચેરમેન દિનેશભાઈ પટેલે આ સફળતાનો શ્રેય ખેડૂતો, વેપારીઓ અને માર્કેટ યાર્ડ સાથે જોડાયેલા તમામ સહયોગીઓને આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સિદ્ધિ સમગ્ર ઊંઝા માટે ગૌરવની ક્ષણ છે અને ભવિષ્યમાં કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત ઓળખ અપાવવામાં મદદરૂપ બનશે. કાર્યક્રમમાં માર્કેટ યાર્ડના ડિરેક્ટરો, વેપારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR