
સુરત, 12 જુલાઈ (હિ.સ.): સુરતના વરાછા વિસ્તારમાં કાપોદ્રા નજીક રચના સર્કલ પાસે BRTS કોરિડોર પર અચાનક અંદાજે 10થી 15 ફૂટ ઊંડો અને 6થી 8 ફૂટ પહોળો ભૂવો પડતાં મુસાફરોથી ભરેલી BRTS બસનો પાછળનો ભાગ તેમાં ધસી ગયો હતો.
ડ્રાઇવરે સમયસર બસ રોકી લેતાં ગંભીર અકસ્માત ટળી ગયો અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. ઘટનાના કારણે, બસમાં સવાર લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
આ ઘટનાએ રસ્તાની ગુણવત્તા અને તાજેતરમાં કરાયેલા ડ્રેનેજ કામ અંગે, અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, થોડા સમય પહેલાં અહીં નવી ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ યોગ્ય રીતે માટીનું કોમ્પેક્શન ન થતાં, આખો માર્ગ બેસી ગયો હોવાનું સામે આવ્યું છે. લોકોનું માનવું છે કે, બાંધકામની કામગીરીમાં બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
ભૂવો પડતાં BRTS રૂટ પર બસ સેવા તાત્કાલિક અસરથી ખોરવાઈ ગઈ અને વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો. ઓફિસ, વેપાર અને અન્ય કામસર નીકળેલા હજારો મુસાફરોને લાંબા સમય સુધી, મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સ્થાનિકોએ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા કડક પગલાં ભરવાની માંગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે