

વડોદરા, 12 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલત અને તંત્રની બેદરકારી વધુ એક અકસ્માતનું કારણ બની છે. ફતેહગંજ સર્કલ નજીક રોડ પરના ખાડામાં ભરવામાં આવેલી ક્વોરી ડસ્ટ બાઈકસવાર દંપતી માટે જીવલેણ સાબિત થઈ.
પ્રાથમિક માહિતી મુજબ, બાઈક ખાડા પાસે પહોંચતા જ ક્વોરી ડસ્ટના કારણે સ્લીપ થઈ ગઈ હતી. જેના કારણે બાઈકસવાર દંપતી રોડ પર પટકાયું હતું. અકસ્માતમાં બાઈક ચાલકને ઈજાઓ પહોંચતાં સ્થાનિક રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.
સ્થાનિકોનો આક્ષેપ છે કે રસ્તા પરના ખાડાઓનું યોગ્ય સમારકામ કરવાની જગ્યાએ માત્ર ક્વોરી ડસ્ટ નાખીને કામચલાઉ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે વાહનચાલકો માટે જોખમકારક બની રહી છે.
સવાલ એ છે કે, શહેરમાં રસ્તાઓની આવી બેદરકારીના કારણે હજી કેટલા નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બનશે? શું તંત્ર કાયમી અને ગુણવત્તાયુક્ત સમારકામ કરશે કે પછી અકસ્માતો બાદ જ જાગશે? હવે શહેરવાસીઓ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી અને જોખમી રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ