

છોટાઉદેપુર, 12 જુલાઈ (હિ.સ.) ફેરકુવાથી બોડેલી સુધીના પ્રસ્તાવિત ફોરલેન રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વેની કામગીરી પાવીજેતપુર શહેરમાં પહોંચતા વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. માર્ગની મધ્યરેખાથી બંને બાજુ ૪૦-૪૦ મીટર, કુલ ૮૦ મીટરનું માપ લેવામાં આવતા અનેક દુકાનો અને મિલકતો અસરગ્રસ્ત થવાની આશંકાએ વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
સર્વેની કામગીરી શરૂ થતાં જ વેપારીઓ એકત્રિત થઈ ડેપ્યુટી સરપંચ તથા ભાજપના અગ્રણી મોન્ટુ શાહનો સંપર્ક કર્યો હતો. વેપારીઓની ચિંતાને ગંભીરતાથી લઈ મોન્ટુ શાહના નેતૃત્વમાં તાલુકા પંચાયત પ્રમુખ કિરણ રાઠવા, જય સોની,અલ્પેશ સોની સહિતના અગ્રણીઓએ સંસદ સભ્ય જશુભાઈ રાઠવા અને જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.
રજૂઆત દરમિયાન પાવીજેતપુર નગરના વેપારીઓના રોજગાર અને મિલકતોને ઓછામાં ઓછી અસર થાય તે રીતે માર્ગનું આયોજન કરવા તથા કોઈપણ વેપારીને અન્યાય ન થાય તેવી માંગ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે રજૂઆતને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગના અધિકારીઓને બોલાવી સમગ્ર મામલે ચર્ચા કરી વેપારીઓના હિતોને ધ્યાનમાં રાખીને યોગ્ય સમાધાન લાવવાની બાહેંધરી આપી હતી. સંસદ સભ્ય જશુભાઈ રાઠવાએ પણ વેપારીઓના પ્રશ્નનો યોગ્ય સ્તરે ઉકેલ લાવવા માટે જરૂરી પ્રયાસો કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
દરમિયાન નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ ફોરલેન માર્ગ માટે પ્રાથમિક સર્વેની કામગીરી ચાલી રહી છે અને પાવીજેતપુર શહેરમાંથી ફોરલેન માર્ગ જ પસાર કરવાનો પ્રસ્તાવ છે. પાવીજેતપુર માંથી ફોરલેન રસ્તો જ પસાર થાય છે.હાલ માત્ર સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અંતિમ એલાઈનમેન્ટ અને જમીન સંપાદન અંગેનો નિર્ણય સરકાર દ્વારા નિયત પ્રક્રિયા મુજબ લેવામાં આવતો હોય છે.
ફોરલેન માર્ગના સર્વેને લઈને પાવીજેતપુરના વેપારીઓમાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. આગામી દિવસોમાં સરકાર અને માર્ગ વિભાગ વેપારીઓના હિતોને કેવી રીતે સુરક્ષિત રાખે છે તેના પર સમગ્ર પંથકની નજર મંડાઈ છે.
રસ્તાની મધ્યરેખાથી ૪૦-૪૦ મીટરનું માપ લેવાતાં વેપારીઓમાં ચિંતા; 'વેપારીઓને નુકસાન નહીં થવા દઈએ' – કલેક્ટરની ખાતરી
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ