


પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.)પોરબંદરમાં નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી અને પારિવારિક આનંદને પ્રોત્સાહન આપવાના હેતુથી પોરબંદર સાયકલિંગ ક્લબ અને પોરબંદર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ફેમિલી નાઇટ સાયકલિંગ રાઇડ'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ અંતર્ગત યોજાયેલી સાયકલ રેલીને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તથા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સાયકલિંગ શરીરને તંદુરસ્ત અને ફિટ રાખવા માટેની સૌથી અસરકારક તેમજ સરળ કસરતોમાંની એક છે. નિયમિત સાયકલિંગથી શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. તેમણે સાયકલ ચલાવવાના વિવિધ આરોગ્યલક્ષી લાભોની માહિતી આપતાં નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે રોજિંદા જીવનમાં નિયમિત સાયકલિંગનો સમાવેશ કરવાની અપીલ કરી હતી.
આ સાયકલ રેલીમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, રાજ્યના વન - પર્યાવરણ મંત્રીઅર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદરના મેયર સાગરભાઈ મોદી અને સાયકલ પ્રેમીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya