વરાપ નીકળતા તળાજા પંથકના ખેડૂતો ફરી ખેતરમાં વ્યસ્ત, વાડીઓમાં વધી ચહલપહલ
ભાવનગર, 12 જુલાઈ (હિ.સ.) : તળાજા પંથકમાં મેઘરાજાની મહેર બાદ છેલ્લા બે દિવસથી સારો વરાપ નીકળતાં સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર ખેતીની ધમધમાટ જોવા મળી રહ્યો છે. જેમની વાવણી બાકી હતી તેવા ખેડૂતો હવે ઝડપભેર વાવણી કાર્ય પૂર્ણ કરવામાં વ્યસ્ત બન્યા છે
ખેડૂત ખેતી કરતા


ભાવનગર, 12 જુલાઈ (હિ.સ.) : તળાજા પંથકમાં મેઘરાજાની મહેર બાદ છેલ્લા બે દિવસથી સારો વરાપ નીકળતાં સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર ખેતીની ધમધમાટ જોવા મળી રહ્યો છે. જેમની વાવણી બાકી હતી તેવા ખેડૂતો હવે ઝડપભેર વાવણી કાર્ય પૂર્ણ કરવામાં વ્યસ્ત બન્યા છે, જ્યારે અગાઉ વાવણી કરી ચૂકેલા ખેડૂતો નિંદામણ સહિતના અન્ય ખેતીકામમાં લાગી ગયા છે. પરિણામે ગામડાંની સરખામણીએ વાડીઓમાં વધુ ચહલપહલ જોવા મળી રહી છે.

આ વર્ષે પ્રથમ વરસાદમાં જ શેત્રુંજી ડેમ ભરાઈ જતાં તળાજા પંથકના ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ છવાયું છે. ડેમમાં પૂરતું પાણી ઉપલબ્ધ થતાં હવે માત્ર ખરીફ પાક જ નહીં, પરંતુ શિયાળુ અને ઉનાળુ પાકની ખેતી માટે પણ પૂરતું સિંચાઈનું પાણી મળવાની આશા જાગી છે. જેના કારણે ખેડૂતો સહિત ખેતી આધારિત વેપાર સાથે જોડાયેલા લોકોમાં પણ નવી આશા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બને ત્યારે તેની સકારાત્મક અસર બજારના દરેક ક્ષેત્ર પર જોવા મળે છે. ખેતી સારી થાય તો ખેત પેદાશોના વેપાર ઉપરાંત સોના-ચાંદી, વાહન વ્યવહાર, રિયલ એસ્ટેટ અને અન્ય વ્યવસાયોમાં પણ તેજી આવતી હોય છે. જોકે હાલ ખેડૂતો અને ખેતમજૂરો મોટા પ્રમાણમાં ખેતરોમાં વ્યસ્ત હોવાથી તળાજા શહેરની બજારોમાં ઘરાકી સામાન્ય દિવસોની સરખામણીએ ઓછી જોવા મળી રહી છે.

આધુનિક ખેતીના યુગમાં પણ તળાજા પંથકના અનેક ખેડૂતો આજે બળદ દ્વારા વાવણી કરવાની પરંપરા જાળવી રાખી છે. વર્ષ દરમિયાન મુખ્યત્વે વાવણીમાં ઉપયોગ થતાં હોવા છતાં ખેડૂતો આખું વર્ષ બળદોની સંભાળ રાખે છે. આ માત્ર ખેતીની પરંપરાનું જ નહીં, પરંતુ પશુપ્રેમ અને માનવતાનું પણ ઉત્તમ ઉદાહરણ છે.

વરાપ મળતાં ખેતીના તમામ કામોએ ગતિ પકડી છે અને સમગ્ર તળાજા પંથકમાં ખેડૂતોના ચહેરા પર નવા પાક અને સમૃદ્ધિની આશા સાથે ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande