કરજણના ઢાઢર નદી કિનારે, દીપડાની દહેશત: વાછરડાનું મારણ બાદ ફરી સીમમાં દેખાતા ખેડૂતોમાં ભય
વડોદરા , 12 જુલાઈ (હિ.સ.) વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઢાઢર નદી કિનારાના ગામોમાં દીપડાની સતત અવરજવરથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. થોડા દિવસ પહેલા વાછરડાનું મારણ કર્યા બાદ હવે ફરી એકવાર રાત્રીના સમયે દીપડો સીમ વિસ્તારમાં દેખાતા લો
દિપડો


દિપડો


વડોદરા , 12 જુલાઈ (હિ.સ.) વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઢાઢર નદી કિનારાના ગામોમાં દીપડાની સતત અવરજવરથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. થોડા દિવસ પહેલા વાછરડાનું મારણ કર્યા બાદ હવે ફરી એકવાર રાત્રીના સમયે દીપડો સીમ વિસ્તારમાં દેખાતા લોકોમાં દહેશત ફેલાઈ છે. કરજણ તાલુકાના ઢાઢર નદી કિનારાના ગામોમાં, દીપડાની દહેશત યથાવત જોવા મળી રહી છે.

ત્રણ દિવસ પહેલા પિંગલવાળા ગામમાં દીપડાએ એક વાછરડાનું મારણ કરતાં, સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાના પગલે ગ્રામજનોએ વન વિભાગ પાસે સુરક્ષાની માંગ પણ કરી હતી.

તે દરમિયાન હવે તાલુકાના સંભોઈ ગામની સીમમાં ફરી એકવાર રાત્રીના સમયે દીપડો દેખાતા ચકચાર મચી ગઈ છે. ખેતરમાં કામ કરતા અને રાત્રે પાકની રખેવાળી કરતા ખેડૂતોમાં, ભારે ફફડાટ ફેલાયો છે. ગત રાત્રે સીમ વિસ્તારમાં દેખાયેલા દીપડાને કેટલાક ખેડૂતો પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરવામાં સફળ રહ્યા હતા. દીપડાના વીડિયો અને તસવીરો સામે આવતા સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ વધુ ગાઢ બન્યો છે.

ઢાઢર નદી કિનારાના વિસ્તારમાં, છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર વધી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં સતત ભય જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોએ વન વિભાગને તાત્કાલિક વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા, પાંજરાં ગોઠવવા અને દીપડાને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવા માંગ કરી છે, જેથી કોઈ જાનહાનિ સર્જાય તે પહેલાં યોગ્ય પગલાં ભરવામાં આવે. વારંવાર દીપડાના દેખાવથી ઢાઢર નદી કિનારાના ગામોમાં, ભયનો માહોલ યથાવત છે. હવે ગ્રામજનોની નજર વન વિભાગની કાર્યવાહી પર છે કે, આ દહેશતનો અંત ક્યારે આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande