




- દીપડાને વહેલી સવારે જ ઉમલ્લા ખાતેથી ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો
ભરૂચ, 12 જુલાઈ (હિ.સ.) : ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વન વિભાગ દ્વારા મહામુસીબતે પાંજરે પૂરવામાં આવેલો એક દીપડો રહસ્યમય સંજોગોમાં પાંજરું તોડી અથવા વન વિભાગની લૂઝ સિક્યોરિટીનો લાભ ઉઠાવી ભાગી છૂટ્યો છે. દીપડો ભાગી જતાં જ વન વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે અને અધિકારીઓ પોતાના પાપ છુપાવવા માટે દોડતા થયા છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં વન વિભાગની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ચર્ચા વહેતી થઈ છે કે આ તો ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે.
ઝઘડિયા વન વિભાગની રેન્જમાં દીપડો પાંજરામાં પૂરેલો મૂક્યો હતો તેવામાં યેનકેન પ્રકારે દીપડો પાંજરામાંથી દરવાજો ઉચકીને જતો રહ્યો હતો.દિપડો પાંજરે પુરાયા બાદ ભાગી છુટતા વન વિભાગની કચેરીની બાજુની સોસાયટીમાં કામ કરતી બે મહિલાઓ પર હુમલો કર્યો. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલી મહિલાઓને ઝઘડિયાની હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી. ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ બંને મહિલાઓને રજા આપવામાં આવી હતી.
પાંજરે પુરાયેલો દીપડો ભાગી છુટતા ઝઘડિયા વન વિભાગ દ્વારા તેને ઝડપી પાડવા ધમ પછાડા કરવામાં આવી રહ્યા છે. પાંજરે પુરાયેલો દીપડો વન વિભાગની કસ્ટડીમાંથી ભાગી છૂટતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો હરકતમાં આવ્યો છે. દીપડાને ફરીથી ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા હાલ આકાશ-પાતાળ એક કરીને ભારે ધમપછાડા કરવામાં આવી રહ્યા છે. જો કે, દીપડો કઈ રીતે ભાગ્યો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે વન વિભાગની ગુપ્તતા અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા થયા છે.
કચેરીની આજુબાજુના વિસ્તારોમાં ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. દીપડો ભાગી જવાની ઘટનાને પગલે વન વિભાગ ઝઘડિયાની કચેરીની આજુબાજુના તમામ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. વન વિભાગની જુદી-જુદી ટીમો બનાવીને આસપાસના જંગલ અને માનવ વસવાટવાળા વિસ્તારોમાં દીપડાને શોધી કાઢવા માટે રવાના કરવામાં આવી છે. હિંસક દીપડો ખુલ્લેઆમ ફરી રહ્યો હોવાના સમાચાર વહેતા થતાં જ ઝઘડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિકો હવે રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ