
અમરેલી, 12 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના લુવારીયા વીડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા ગયેલા ત્રણ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિના સિંહના હુમલામાં મોત થયાના કેસમાં વન વિભાગે તપાસ વધુ તેજ બનાવી છે. ઘટનામાં બચી ગયેલા બંને આરોપીઓને વન વિભાગની ટીમે કસ્ટડીમાં લઈને સમગ્ર ઘટનાક્રમનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
વન વિભાગના અધિકારીઓ બંને આરોપીઓને અંતાલીયા વિસ્તાર સહિત લુવારીયા વીડીના જુદા જુદા પાંચ સ્થળોએ લઈ ગયા હતા, જ્યાં તેઓએ ઘટનાક્રમની વિગતવાર માહિતી મેળવી હતી. તપાસ દરમિયાન મૃતકના ચપ્પલ સહિતના મહત્વના પુરાવાઓ કબ્જે કરવામાં આવ્યા હતા.
સરકારી સાક્ષીઓની હાજરીમાં સ્થળ પંચનામું કરવામાં આવ્યું હતું તેમજ ઘટનાની દરેક કડીની ચકાસણી માટે આરોપીઓ પાસેથી ઘટનાનું પુનઃ નિર્માણ (રી-કન્સ્ટ્રક્શન) કરાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અધિકારીઓએ આરોપીઓએ કયા માર્ગે જંગલમાં પ્રવેશ કર્યો, સિંહ ક્યાં જોવા મળ્યો અને હુમલો કેવી રીતે થયો તેની પણ વિગતો મેળવી હતી.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ કેસમાં તમામ તકનીકી અને ભૌતિક પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ નિયમ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગેરકાયદેસર રીતે જંગલમાં પ્રવેશ અને વન્યપ્રાણીઓને જોવા જવા સામે વન વિભાગે લોકોને કડક ચેતવણી પણ આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai