
જૂનાગઢ, 12 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના હસ્તે આજે માણાવદર નગરપાલિકાના નવા વહીવટી ભવનનું લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો, જનપ્રતિનિધિઓ અને આગેવાનોએ ઉપસ્થિત રહી વિકાસકાર્યને આવકાર્યું.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના હસ્તે આજે માણાવદર ખાતે રૂ. ૧૦ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે રૂ. ૫ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ રૂ. ૫ કરોડના નવા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના સભ્યો અને આગેવાનો દ્વારા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાનું, શાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શહેરની મહિલા મોટરચાલક બહેનો દ્વારા પણ વિશિષ્ટ સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, આધુનિક સુવિધાઓથી સજ્જ નવા વહીવટી ભવનના લોકાર્પણથી નગરપાલિકાની કામગીરી વધુ કાર્યક્ષમ બનશે અને નાગરિકોને ઝડપી તથા સુવિધાસભર સેવાઓ ઉપલબ્ધ થશે.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી વિઝનને સાકાર કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર નગરોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. નાગરિકોને પારદર્શક, સરળ અને ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આધુનિક માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. માણાવદર નગરપાલિકાનું નવું વહીવટી ભવન પણ આ દિશામાં મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ