
પાટણ, 12 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુરના ઉમિયાનગર-1 ખાતે કોળી ઠાકોર નિરાશ્રિત સમાજનું મહાસંમેલન યોજાયું હતું. કરછ- વાગડ- પાટણ- વઢિયાર- ગાંધીનગરના સંયુક્ત આયોજનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો જોડાયા હતા.
મહાસંમેલનની અધ્યક્ષતા અખિલ કરછ-વાગડ-પાટણ-ગાંધીનગર કોળી નિરાશ્રિત સમાજના અધ્યક્ષ કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલે કરી હતી. સંતો, સમાજના આગેવાનો અને રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શિક્ષણનું મહત્વ, યુવાનોને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન, સમાજમાં એકતા અને સંગઠન મજબૂત બનાવવા સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણને પ્રાથમિકતા આપવાનો સંદેશ અપાયો.
સગાઈ, લગ્ન સહિતના સામાજિક પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ અને દેખાડો ટાળવા નવા નિયમોની જાહેરાત કરવામાં આવી. બચત થયેલા નાણાંનો ઉપયોગ બાળકોના શિક્ષણ અને સમાજના વિકાસ માટે કરવાની અપીલ કરવામાં આવી.
મહાસંમેલનમાં સમાજની નવી વાડી, આધુનિક હોસ્ટેલ અને લાઇબ્રેરી બનાવવાની યોજનાઓ જાહેર કરવામાં આવી. ખાસ કરીને અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓને રાધનપુરમાં રહી અભ્યાસ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો.
સમાજના પ્રમુખ કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલે શિક્ષણને સમાજની પ્રગતિનો મજબૂત આધાર ગણાવી સમાજ સુધારણા માટે સૌને એકતા, જાગૃતિ અને સહકાર સાથે આગળ વધવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ