
કચ્છ, 12 જુલાઈ (હિ.સ.) : ભચાઉ તાલુકામાં નોંધાયેલા કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં ભચાઉ પોલીસને સફળતા મળી છે. માનવ ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી સચોટ તપાસના પરિણામે પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ચોરી કરાયેલા કેબલમાંથી કાઢેલો તાંબાનો વાયર પણ કબજે કર્યો છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પૂર્વ કચ્છ જિલ્લામાં મિલ્કત સંબંધિત ગુનાઓને રોકવા તેમજ નોંધાયેલા અનડિટેક્ટ ગુનાઓનો ઝડપથી ભેદ ઉકેલવા માટે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ ડોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સતત કામગીરી ચાલી રહી છે. આ અભિયાન અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે નોંધાયેલા કેબલ ચોરીના ગુનાની તપાસને પ્રાથમિકતા આપી હતી.
તપાસ દરમિયાન પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ધનજી પચાણભાઈ કોલી, વેરશી પાંચાભાઈ કોલી, દશરથ અરજણભાઈ કોલી (ત્રણે રહે. લુણવા, તા. ભચાઉ), તેમજ કિશોર ડાયાભાઈ દાતણીયા અને મનસુખ વાલજીભાઈ દાતણીયા (બંને રહે. દબડા ચાર રસ્તા, અંજાર)ની સંડોવણી સામે આવી હતી. પોલીસે તમામ પાંચેય આરોપીઓને ઝડપી પાડી તેમની પૂછપરછ હાથ ધરી હતી.
આરોપીઓ પાસેથી કેબલમાંથી કાઢવામાં આવેલ અંદાજે 28.5 કિલોગ્રામ તાંબાનો વાયર જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત ₹15,675 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. જપ્ત કરાયેલા મુદ્દામાલ સાથે આરોપીઓ સામે ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સ સ્ટાફની સંયુક્ત મહેનતથી સફળ બની હોવાનું પોલીસ તંત્રએ જણાવ્યું છે. સ્થાનિક સ્તરે મિલ્કત સંબંધિત ગુનાઓ સામે પોલીસની સતત કાર્યવાહીથી ગુનાખોરી પર અંકુશ લાવવાના પ્રયાસોને વધુ મજબૂતી મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar