ગાંધીધામમાં તલાવડી ફળિયામાં જુગાર પર પોલીસનો દરોડો, ચાર શખ્સ ઝડપાયા; રોકડ સાથે મુદ્દામાલ જપ્ત
કચ્છ, 12 જુલાઈ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા પોલીસના અભિયાનને વધુ એક સફળતા મળી છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશને નવી સુંદરપુરી વિસ્તારના તલાવડી ફળિયામાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર દરોડો પાડી ચાર વ્યક્તિઓને રંગે
ગાંધીધામ જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 12 જુલાઈ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા પોલીસના અભિયાનને વધુ એક સફળતા મળી છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશને નવી સુંદરપુરી વિસ્તારના તલાવડી ફળિયામાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર દરોડો પાડી ચાર વ્યક્તિઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા ગંજીપાનાં પત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુગાર અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ પર કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. આ અનુસંધાને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. રાઠોડે પોલીસ સ્ટાફને સતત પેટ્રોલિંગ અને બાતમીના આધારે કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે નવી સુંદરપુરીના તલાવડી ફળિયામાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં દશરથભાઈ મુળજીભાઈ પ્રજાપતી, મનોજભાઈ વાઘજીભાઈ ઠક્કર, રસીલાબેન ઉર્ફે બોડી દોલતગર ગુંસાઈ અને ધર્માબેન ખોડાભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે.

પોલીસે સ્થળ પરથી જુગારમાં વપરાતી રોકડ રકમ રૂ. 13,700 તેમજ ગંજીપાનાં પત્તા કબજે કર્યા હતા. કુલ રૂ. 13,700ના મુદ્દામાલ સાથે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી. જિલ્લા પોલીસ દ્વારા જાહેર સ્થળોએ અને રહેણાંક વિસ્તારોમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેના પરિણામે આવા ગુનાઓ સામે અસરકારક કાર્યવાહી થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande