
કચ્છ, 12 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતે ન્યાયિક વ્યવસ્થાને વધુ સરળ, ઝડપી અને અસરકારક બનાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. જિલ્લાના તમામ અદાલતો તેમજ ફેમિલી કોર્ટમાં યોજાયેલા આ વિશેષ આયોજન દરમિયાન એક જ દિવસમાં કુલ 16,215 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. વિવિધ પ્રકારના વિવાદો પર પરસ્પર સહમતીથી સમાધાન થતાં અંદાજે રૂ. 31 કરોડના એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા, જેના કારણે અનેક પરિવારો અને અરજદારોને લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયાઓમાંથી રાહત મળી છે.
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષકના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દિલીપ પી. મહિડાના નેતૃત્વમાં યોજાયેલી આ લોક અદાલતમાં મોટી સંખ્યામાં પ્રિ-લિટીગેશન, સમાધાનલાયક અને સ્પેશિયલ મેજિસ્ટ્રીયલ સિટિંગના કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. તેમાં 11,452 પ્રિ-લિટીગેશન કેસો, 1,138 સમાધાનલાયક કેસો અને 3,625 સ્પેશિયલ મેજિસ્ટ્રીયલ સિટિંગના કેસોનો સમાવેશ થાય છે.
લોક અદાલતને સફળ બનાવવા માટે, જિલ્લાના તમામ ન્યાયાધીશોએ અગાઉથી જ વિવિધ પ્રકારના વિવાદોમાં સમાધાનની પ્રક્રિયા શરૂ કરી હતી. લગ્નજીવન સંબંધિત મતભેદો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવાઓ, વાહન અકસ્માત વળતર સહિતના અનેક મામલાઓમાં બંને પક્ષોને સમજાવી પરસ્પર સંમતિથી ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પૂર્વ તૈયારીના પરિણામે મોટી સંખ્યામાં કેસોનો ઝડપી અને સફળ નિકાલ શક્ય બન્યો હતો.
ખાસ કરીને ચેક બાઉન્સના કેસોમાં નોંધપાત્ર સફળતા મળી હતી. કુલ 357 કેસોમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં અંદાજે રૂ. 13 કરોડની રકમ સંબંધિત વિવાદોનો અંત આવ્યો હતો. આથી અરજદારો અને પ્રતિવાદીઓને લાંબી કોર્ટ કાર્યવાહીથી મુક્તિ મળી હતી.
વાહન અકસ્માત વળતર સંબંધિત કેસોમાં પણ, લોક અદાલતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા અથવા ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓના પરિવારજનોને ઝડપી ન્યાય મળે તે હેતુસર હાથ ધરાયેલી સમાધાન પ્રક્રિયાના પરિણામે 117 કેસોમાં સહમતીના આધારે અંદાજે રૂ. 9 કરોડનું વળતર મંજૂર કરવામાં આવ્યું હતું. આ નિર્ણયથી અનેક પીડિત પરિવારોને આર્થિક સહારો મળ્યો છે.
કાર્યક્રમના અંતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ અને સિનિયર સિવિલ જજ બી. એમ. પ્રજાપતિએ, લોક અદાલતના સફળ આયોજન બદલ જિલ્લાના તમામ ન્યાયાધીશો, ન્યાયાલયના કર્મચારીઓ, વકીલો તેમજ વિવિધ સ્ટેકહોલ્ડર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, લોક અદાલત માત્ર કેસોના ઝડપી નિકાલનું માધ્યમ નથી, પરંતુ સામાન્ય નાગરિકોને સરળ, સસ્તો અને સમયસર ન્યાય ઉપલબ્ધ કરાવવાની અસરકારક વ્યવસ્થા પણ છે. કચ્છમાં યોજાયેલી આ રાષ્ટ્રીય લોક અદાલતે ફરી એકવાર સાબિત કર્યું છે કે, પરસ્પર સમાધાનના માર્ગે અનેક વર્ષોથી અટવાયેલા વિવાદોનો પણ સફળ અંત લાવી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar