
કચ્છ, 12 જુલાઈ (હિ.સ.) : કચ્છના મુંદરા તાલુકાના રતાડીયા ગામમાંથી શરૂ થયેલી એક સામાજિક પહેલે આખા દેશની ટપાલ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવ્યું હોવાનું સામે આવ્યું છે. જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કરની સતત રજૂઆતો અને અનુસંધાન બાદ ભારતીય પોસ્ટ વિભાગે દેશભરની સાદી ટપાલ વ્યવસ્થાને વધુ પારદર્શક અને જવાબદાર બનાવવા માટે ઓનલાઈન ટ્રેકિંગની નવી વ્યવસ્થા અમલમાં મૂકવાનો નીતિગત નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે દેશભરમાં મોકલાતી તમામ સાધારણ ટપાલોને વિશિષ્ટ બારકોડ આપવામાં આવશે અને 'ડાક સેવા' એપ્લિકેશન દ્વારા તેની હિલચાલ પર નજર રાખી શકાશે.
આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત એક વડીલ સાહિત્યપ્રેમી સાથે બનેલી દુઃખદ ઘટનાથી થઈ હતી. આશરે ૮૦ વર્ષીય આ વડીલને તેમની સાહિત્યિક કૃતિ બદલ એક સામાયિક તરફથી પ્રોત્સાહનરૂપે ચેક મોકલવામાં આવ્યો હતો. પરંતુ ટપાલ વ્યવસ્થાની બેદરકારીના કારણે તે ચેક તેમના સુધી પહોંચ્યો નહોતો. આ ઘટના માત્ર એક વ્યક્તિનું નુકસાન નહોતી, પરંતુ સામાન્ય ટપાલ વ્યવસ્થાની ખામીઓને ઉજાગર કરતી ઘટના બની હતી.
આ મુદ્દાને ગંભીરતાથી લઈને તિતિક્ષાબેન ઠક્કરે ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) તેમજ CPGRAMS પોર્ટલ પર સત્તાવાર રજૂઆત કરી હતી. ફરિયાદના અનુસંધાનમાં પોસ્ટ વિભાગે કાર્યવાહી હાથ ધરી અને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ કચ્છ ડિવિઝનના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ દ્વારા સંબંધિત પોસ્ટમાસ્ટરોને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. જોકે, માત્ર સ્થાનિક સ્તરે કરાયેલી કાર્યવાહીથી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નહોતો. પરિણામે આ મુદ્દે સતત અનુસરણ કરવામાં આવ્યું અને આખરે કેન્દ્રીય સ્તરે નીતિગત નિર્ણય લેવાયો.
નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ હવે સામાન્ય ટપાલ મોકલનાર વ્યક્તિ પણ પોતાની ટપાલ ક્યાં સુધી પહોંચી છે અને કયા તબક્કે છે તેની માહિતી ઓનલાઈન મેળવી શકશે. આ પગલાથી ટપાલ ખોવાઈ જવાની ફરિયાદોમાં ઘટાડો થશે તેમજ પોસ્ટ વિભાગની કામગીરીમાં વધુ પારદર્શિતા અને જવાબદારી આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સફળતા અંગે તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કરે જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયામાં સમય લાગવો સ્વાભાવિક હતો, પરંતુ અંતે મળેલો આ નિર્ણય લાખો સામાન્ય નાગરિકો, સાહિત્યકારો, વડીલો અને વિવિધ સંસ્થાઓ માટે લાભદાયી સાબિત થશે. તેમણે જણાવ્યું કે, એક સામાન્ય નાગરિકની રજૂઆતને ગંભીરતાથી લઈને નીતિગત સ્તરે ફેરફાર કરવામાં આવ્યો છે, જે લોકતંત્રમાં જનભાગીદારી અને જવાબદાર શાસનનું સકારાત્મક ઉદાહરણ છે.
કચ્છના એક નાના ગામમાંથી શરૂ થયેલી આ લડત હવે સમગ્ર દેશ માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. સામાન્ય ટપાલને પણ ડિજિટલ ટ્રેકિંગની સુવિધા મળતા પોસ્ટલ સેવાઓ વધુ વિશ્વસનીય, સુરક્ષિત અને આધુનિક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar