
વડોદરા , 12 જુલાઈ (હિ.સ.) વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટ સામે ફરી સવાલો ઊભા થયા છે. પૂર્વ ઝોનના વારસિયા રિંગ રોડ પર રૂપલ સોસાયટી નજીક એક જ સ્થળે ફરી ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર એક જ જગ્યાએ રસ્તો ધસી પડતાં પ્રોજેક્ટની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં ચાલતા ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરીની ગુણવત્તા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે.
વારસિયા રિંગ રોડ પર આવેલી રૂપલ સોસાયટી નજીક એક જ સ્થળે ફરીથી ભૂવો પડતા સ્થાનિકો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ જ સ્થળે અગાઉ પણ રસ્તો ધસી પડ્યો હતો, તેમ છતાં કાયમી ઉકેલ લાવવાને બદલે ફરી એ જ સ્થિતિ સર્જાઈ છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, રસ્તા પર પડેલા ભૂવાને કારણે અકસ્માતનો ભય સતત રહે છે. ખાસ કરીને રાત્રિના સમયે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે મોટું જોખમ ઊભું થયું છે.
જોકે, તંત્ર દ્વારા હાલ માત્ર બેરીકેટ મૂકી વિસ્તારને ઘેરી દેવામાં આવ્યો છે. પરંતુ મૂળ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં વિલંબ થતાં સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોએ માંગ કરી છે કે માત્ર બેરીકેટ લગાવી જવાબદારીમાંથી છટકી જવાને બદલે ડ્રેનેજ લાઇન અને રસ્તાની ગુણવત્તાની તકેદારીપૂર્વક તપાસ કરી કાયમી સમારકામ કરવામાં આવે.
એક જ જગ્યાએ વારંવાર ભૂવો પડવાની ઘટનાઓ હવે પાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર કાયમી ઉકેલ લાવે છે કે ફરી માત્ર કામચલાઉ વ્યવસ્થાથી સંતોષ માને છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ