
મહેસાણા, 12 જુલાઈ (હિ.સ.) : એશિયાના સૌથી મોટા મસાલા બજાર તરીકે જાણીતા ઊંઝા માટે ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ભારત સરકારની જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) રજિસ્ટ્રીએ 'ઊંઝા જીરું' (Unjha Jeera) અને 'ઊંઝા વરિયાળી' (Unjha Fennel)ને પ્રતિષ્ઠિત GI ટેગ એનાયત કર્યો છે. આ સિદ્ધિથી હવે ઊંઝાના બંને કૃષિ ઉત્પાદનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં સત્તાવાર આગવી ઓળખ અને કાયદાકીય રક્ષણ મળશે.
APMC ઊંઝાના ચેરમેન દિનેશભાઈ પટેલના સતત પ્રયાસોના પરિણામે મળેલા આ GI ટેગ માટે ભારત સરકાર, ગુજરાત સરકારના બાગાયત અને ખેડૂત કલ્યાણ વિભાગ, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને EDII ગુજરાતે મહત્વની ભૂમિકા ભજવી હતી.
GI ટેગ મળવાથી હવે વિશ્વના કોઈપણ બજારમાં ઊંઝા જીરું અને ઊંઝા વરિયાળીના નામે નકલી અથવા હલકી ગુણવત્તાની પ્રોડક્ટ વેચવા સામે કાયદાકીય કાર્યવાહી શક્ય બનશે. સાથે જ ઊંઝાના મસાલાની બ્રાન્ડ વેલ્યુમાં વધારો થતાં ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ સારા ભાવ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમાચાર મળતા જ ઊંઝા માર્કેટ યાર્ડમાં ખેડૂતો, વેપારીઓ અને સ્થાનિક આગેવાનોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. એકબીજાના મોં મીઠા કરાવી લોકોએ આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરી હતી. કૃષિ અને સહકારી ક્ષેત્ર માટે આ સિદ્ધિ ગુજરાતના ખેડૂતોને વૈશ્વિક ઓળખ અપાવતું મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR