
મહેસાણા, 12 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર સ્થિત ભારતીય સેનાના મિલિટરી સેન્ટરમાં રવિવારે વૃક્ષારોપણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય સેનાના કર્નલ સિદ્ધરાજસિંહ ભાટી, ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પ્રણેતા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ, GGBના ટ્રસ્ટીઓ અને પર્યાવરણપ્રેમીઓએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
મેજર સૌરભ કુમારના માર્ગદર્શન અને ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના અધ્યક્ષ હસમુખભાઈ પટેલના સહયોગથી છેલ્લા બે વર્ષથી આ મિલિટરી સેન્ટરમાં દર વર્ષે 21 હજારથી વધુ વૃક્ષોનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે. ત્રીજા વર્ષમાં પ્રવેશેલા આ અભિયાન અંતર્ગત સમગ્ર કેમ્પસમાં 1 લાખ વૃક્ષોનું હરિત આવરણ ઊભું કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઋષિકેશ પટેલે જણાવ્યું કે વૃક્ષારોપણ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી અને ભાવિ પેઢી માટે હરિયાળું ભવિષ્ય સર્જવાનો સંકલ્પ છે. ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પાંચ સંકલ્પો ઉપસ્થિતોને લેવડાવ્યા અને પર્યાવરણ જાળવવા જનભાગીદારીનું આહ્વાન કર્યું.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1.25 કરોડથી વધુ વૃક્ષો વાવી સમગ્ર વિસ્તારને હરિયાળો બનાવવાના મહાઅભિયાનમાં આ પહેલને મહત્વપૂર્ણ યોગદાન માનવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR