
મહેસાણા, 12 જુલાઈ (હિ.સ.) : મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ નાર્કોટિક્સ વિરોધી કાર્યવાહી દરમિયાન ખેરાલુ પોલીસ સ્ટેશન વિસ્તારના વે-વેઇટ હોટલ ત્રણ રસ્તાથી વલાસણા જતાં માર્ગ પર રેલવે ફાટક નજીકથી ટાટા સફારી કારમાં લઈ જવાતો 281.670 કિલોગ્રામ પોશડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન રૂ. 52.35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 11 જુલાઈએ વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ટાટા સફારી (GJ-27 DM-5469)ને રોકવાનો ઈશારો કરાતા ચાલકે કાર ભગાડી મૂકી હતી. પોલીસે પીછો કરતાં કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. આ દરમિયાન એક આરોપી ફરાર થઈ ગયો હતો, જ્યારે કાર ચલાવતા રાજસ્થાનના બાડમેર જિલ્લાના ભુનિયા ગામના રહેવાસી જગદીશ બાબુલાલ સુરતારામ મુંડા (ઉ.વ. 27)ને ઝડપી લેવામાં આવ્યો હતો.
કારની તપાસ દરમિયાન 17 બેગમાં ભરેલો 281.670 કિલોગ્રામ પોશડોડાનો જથ્થો, ટાટા સફારી કાર, બે મોબાઇલ ફોન અને છ નંબર પ્લેટ મળી કુલ રૂ. 52.35 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ફરાર આરોપીની ઓળખ અશોક આસુરામ ગોદારા, રહે. સેસાવા, જિ. બાલોતરા (રાજસ્થાન) તરીકે થઈ છે.
આ મામલે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કેસની વધુ તપાસ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR