

વડોદરા , 12 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં ખરાબ રસ્તાઓનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. મનીષા ચોકડીથી વાસણા તરફ જતો માર્ગ છેલ્લા એક વર્ષથી બિસ્માર હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ચોમાસામાં રસ્તાની સ્થિતિ વધુ જોખમી બનતાં સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વડોદરાના મનીષા ચોકડીથી વાસણા તરફ જતો મુખ્ય માર્ગ, છેલ્લા એક વર્ષથી ખરાબ હાલતમાં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
રસ્તા પરની કપચી બહાર આવી જતાં અને રોડ ઉખડી જતાં રોજિંદા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે આ માર્ગ અકસ્માતનું કારણ બની રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ચોમાસું શરૂ થઈ ચૂક્યું હોવા છતાં, માર્ગનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી. એટલું જ નહીં, રસ્તાની બાજુમાં નાખવામાં આવેલું રો-મટીરિયલ પણ વરસાદ દરમિયાન ફેલાઈ જતાં વાહનચાલકો લપસી પડવાના બનાવો બનતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
માર્ગની બિસ્માર હાલત અંગે જાણ થતાં, અશફાક મલેક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે સ્થળ નિરીક્ષણ કરી તંત્રની કામગીરી સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, વારંવાર રજૂઆતો છતાં માર્ગનું કાયમી સમારકામ ન થવું તંત્રની બેદરકારી દર્શાવે છે અને તાત્કાલિક કામગીરી કરવાની માંગ કરી હતી.
એક વર્ષથી ખરાબ હાલતમાં રહેલા આ માર્ગે, હવે ચોમાસામાં વધુ જોખમી સ્વરૂપ ધારણ કર્યું છે. સ્થાનિકોની માંગ છે કે, અકસ્માત સર્જાય તે પહેલાં જ તંત્ર તાત્કાલિક કાયમી સમારકામ હાથ ધરે અને લોકોને સુરક્ષિત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ