




પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.)દેશની યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણના પાવન કાર્યમાં જોડવા અને વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે પોરબંદરની લોર્ડ્સ હોટેલ ખાતે 'માય ભારત યુવા સંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ગરિમાપૂર્ણ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. તેમજ રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ યુવાનો સાથે સીધો સંવાદ સાધીને ટેકનોલોજી, રાષ્ટ્ર સેવા, લીડરશિપ અને સ્વાસ્થ્ય જેવા મહત્વના વિષયો પર પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે યુવા પેઢીને સકારાત્મક ભૂમિકા ભજવવા આહ્વાન કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ યુવા શક્તિને દેશના વિકાસની ધુરા સંભાળવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બદલાતા સમય અને ટેકનોલોજીની સાથે યુવાનોની અપેક્ષાઓ બદલાઈ છે, જેને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ 'માય ભારત' (MY Bharat) પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ યુવાનો માટે 'સિંગલ વિન્ડો સિસ્ટમ' તરીકે કામ કરે છે, જ્યાં તેમને કરિયર ગાઈડન્સ, સહિતની વ્યાપક સેવાકીય પ્રવૃત્તિઓની તકો પૂરી પાડવામાં આવે છે. વર્તમાન સમયમાં દેશના ૨ કરોડથી વધુ યુવાનો આ પ્લેટફોર્મ પર જોડાઈ ચૂક્યા છે, જે તેની લોકપ્રિયતા અને સફળતા દર્શાવે છે.
આઝાદીના અમૃતકાળના 25 વર્ષના ગાળાને રેખાંકિત કરતા મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ભૂતકાળમાં દેશ આઝાદી માટે બલિદાન માંગતો હતો, પરંતુ આજે વિકસિત ભારત @2047ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશ યુવાનો પાસે કર્તવ્યપાલન અને દેશ માટે જીવવાનું આહ્વાન કરે છે. પ્રધાનમંત્રીશ્રીના લક્ષ્યાંક મુજબ દેશમાં 1 લાખ એવા 'યંગ લીડર્સ' તૈયાર કરવાના છે, જેઓ કોઈ પણ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા ન હોય, પરંતુ સામાન્ય પરિવારમાંથી આવીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી લઈને સંસદ સુધી દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવતા હોય. તેમણે ઉમેર્યું હતું કે 'વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ' અંતર્ગત લાખો યુવાનોમાંથી શોર્ટલિસ્ટ થયેલા પ્રતિભાવંતોએ રજૂ કરેલા નવતર વિચારો એટલા પ્રભાવશાળી હતા કે, દેશના બજેટ ભાષણની શરૂઆત પણ નાણામંત્રી દ્વારા યુવાનોના એ વિચારોને અમલી કરવાના પ્રાવધાન સાથે કરવામાં આવી હતી.
યુવાનોના સર્વાંગી વિકાસ માટે આયોજિત વિવિધ સાહસિક પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે 'વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ' હેઠળ 500 યુવાનોને ચીન સરહદ નજીકના દુર્ગમ ગામોની મુલાકાતે મોકલીને સરહદી વિસ્તારોના લોકજીવનનો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો છે, જેમના સાથે આગામી સમયમાં પ્રધાનમંત્રીશ્રી વર્તમાન પરિસ્થિતિ અંગે સીધો સંવાદ સાધશે.
આ ઉપરાંત, ત્રિરંગા ક્વિઝના વિજેતા યુવાનોને ભારતીય સેનાના સહયોગથી સિયાચીન ગ્લેશિયર જેવા પડકારજનક વિસ્તારમાં સૈનિકો સાથે રહેવાની અદ્ભુત તક આપવામાં આવી છે, જે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને સાહસની ભાવના જગાડે છે.
મંત્રીએ સામાજિક દૂષણો સામે લડવા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે યુવાનોને નશાની ગંભીર બદીથી દૂર રહી દેશના વિકાસમાં સકારાત્મક યોગદાન આપવા અપીલ કરી હતી. પોતાના અંગત જીવનનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ દર રવિવારે સાયકલ ચલાવીને દેશના યુવાનોને ફિટ રહેવાનો સંદેશ આપે છે. સાયકલિંગથી માત્ર સ્વાસ્થ્ય જ નથી સુધરતું, પરંતુ પ્રદૂષણ, ટ્રાફિક અને દેશના ઇંધણની બચત જેવા બહુવિધ ફાયદા થાય છે.
અંતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આજની 'Gen-Z' (નવી પેઢી) એ કોઈ નકારાત્મકતા, આંદોલન કે વિરોધની પેઢી નથી, પરંતુ તે દેશના નવનિર્માણ અને 'વિકસિત ભારત' ના સ્વપ્નને સાકાર કરનારી એક સકારાત્મક પેઢી છે અને આ યુવાનો જ દેશના સાચા સારથી બનશે.
મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, આટલી નાની ઉંમરે 'માય ભારત' મૂવમેન્ટમાં જોડાવાની તક મળવી એ તમામ વોલેન્ટિયર્સ માટે ખૂબ જ સદ્ભાગ્યની વાત છે. આ પ્લેટફોર્મ માત્ર હાજરી પુરાવવા પૂરતું સીમિત નથી, પરંતુ યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખી, તેમાં સતત વધારો કરી તેને રાષ્ટ્રહિતમાં વાપરવાની ઉત્તમ તાલીમ આપે છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, યુવાનોએ પોતાની ક્ષમતાઓનો સતત વિકાસ કરવો જોઈએ જેથી તેનો લાભ તેમના પરિવાર, ગામ, શહેર અને સમગ્ર દેશને મળી શકે.
વધુમાં, મંત્રીએ પ્રધાનમંત્રી દ્વારા સાણંદ ખાતે 'સીજી સેમિકોન' ના ત્રીજા પ્લાન્ટના થયેલા ઉદ્ઘાટનનો અને મંત્રીમંડળની બેઠકનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, આજે દેશના જુદા જુદા રાજ્યોમાંથી આઈટીઆઈ, ડિપ્લોમા અને એન્જિનિયરિંગના યુવાનો મલેશિયા જેવા દેશોમાં ટ્રેનિંગ મેળવીને સેમિકન્ડક્ટર ચીપના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે જોડાઈ રહ્યા છે. વર્ષ 2047 માં જ્યારે ભારત એક સ્વનિર્ભર અને 'વિકસિત ભારત' બનીને વૈશ્વિક સ્તરે દુનિયાનું નેતૃત્વ કરશે.
પ્રધાનમંત્રી અને સમગ્ર સરકાર એક એવા સક્ષમ અને મજબૂત ભારતના નિર્માણ માટે અવિરત પ્રયત્નશીલ છે, જેનાથી આવનારી નવી પેઢીને એક ભવ્ય અને સુરક્ષિત દેશ વારસામાં મળી શકે. અંતમાં તેમણે આ સુંદર માર્ગદર્શન અને આયોજન બદલ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનો આભાર વ્યક્ત કરીને તમામ યુવાનોને દેશ સેવાના આ મહાભિયાનમાં જોડાવા બદલ બિરદાવ્યા હતા. કાર્યક્રમના અંતે યુવા મંડળોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ 'માય ભારત યુવા સંવાદ' માત્ર એક ઔપચારિક કાર્યક્રમ બનીને ન રહેતા, યુવા શક્તિની ક્ષમતા અને તેમના રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને ઉજાગર કરતું એક સબળ માધ્યમ બન્યો હતો.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાના પ્રેરણાદાયી સંબોધન, ધીરજપૂર્વકના પ્રશ્નોત્તરી સંવાદ અને યુવાનોના કલ્યાણકારી વિચારોના આદાન-પ્રદાનથી ઉપસ્થિત તમામ યુવાધન ઉર્જાવાન બન્યું હતું.
વિકસિત ભારત @2047ના લડવૈયા અને સાચા સારથી તરીકે પોરબંદરનો એક-એક યુવાન દેશને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે કટિબદ્ધ બનશે, એવા દ્રઢ સંકલ્પ અને ઉત્સાહભર્યા વાતાવરણ સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન થયું હતું.
આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી જિલ્લા કલેકટર એસ ડી ધાનાણી,જિલ્લા પોલીસ વડા બી યુ જાડેજા,જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, પોરબંદર મહાનગરપાલિકાના હસમુખ પ્રજાપતિ સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya