
સુરત, 12 જુલાઈ (હિ.સ.) : પત્ની અને બે દીકરાઓ સાથે લિંબાયતના ગીતાનગરમાં રહેતા સંદીપ કુમાર શર્માએ વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર પાસેથી મળેલી સહાય માટે આભારની લાગણી પ્રગટ કરી હતી. ગત દોઢ માસ પહેલા થયેલા એક અકસ્માતને કારણે બન્ને પગ અને કમરથી ઇજાગ્રસ્ત સંદીપ કુમાર શર્માના ઘરમાં વરસાદી પાણી ભરાવાને કારણે 3 દિવસ સતત ઘરના ઉપલા માળમાં રોકાયા હતા. તેવા સમયે પોતાના દીકરાઓ અને પત્ની માટે ચિંતિત સંદીપ કુમારને જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળેલી દૂધ, પાણી અને અનાજની સહાયથી સાથે જ ઘરવખરીને થયેલા નુકશાન બદલ મળેલી રૂ.6800 ની આર્થિક સહાયથી તેમણે રાહત અનુભવી હતી.
સુરતમાં પડેલા અતિ વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે પાણી ઓસરતા જ સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને આ વિસ્તારનો સર્વે કરવામાં આવ્યો હતો. અને પૂર પ્રભાવિતોને તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવી હતી. જેથી અસરગ્રસ્ત શહેરીજનો પુન: સામાન્ય જીવન શરૂ કરી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે