

વડોદરા , 12 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં બાળકો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ, કરતાં ચકચાર મચી છે. પ્રિયા ટોકીઝ નજીક આવેલી સન ફ્લાવર હાઇટ્સ સોસાયટીમાં સોસાયટીના પ્રમુખ પર, જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. ઘટનામાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વડોદરા શહેરના પ્રિયા ટોકીઝ પાસે આવેલી, સન ફ્લાવર હાઇટ્સ સોસાયટીમાં બાળકોના ઝઘડાને લઈને વિવાદ ઉગ્ર બન્યો હતો.
મળતી માહિતી મુજબ, સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ આયર બાળકો વચ્ચે થયેલી બબાલ અંગે રજૂઆત કરવા માટે ઉપરના માળે રહેતા રહેવાસીઓ પાસે ગયા હતા. જોકે, વાતચીત દરમિયાન મામલો ઉગ્ર બનતાં, ઉશ્કેરાયેલા પડોશીઓએ તેમના પર હુમલો કર્યો હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે.
પરિવારના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ દિનેશભાઈને બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધા હતા. તેઓ પહેલા માળેથી લટકતી હાલતમાં જોવા મળ્યા હતા, જેને કારણે સોસાયટીમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
હુમલામાં દિનેશભાઈને પગ, માથા અને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં પરિવારજનોએ તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પરિવારની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકોના સામાન્ય ઝઘડામાંથી શરૂ થયેલો વિવાદ જીવલેણ હુમલા સુધી પહોંચતા, સોસાયટીમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો છે. હવે પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાની હકીકત શું સામે આવે છે અને જવાબદારો સામે કેવી કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ