
સુરત, 12 જુલાઈ (હિ.સ.): સુરતના અરુણાવ્રત દ્વાર રોડ પર દોડતી મહિન્દ્રા XUV700માં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, કાર સામાન્ય રીતે રસ્તા પર આગળ વધી રહી હતી ત્યારે એન્જિન તરફથી ધુમાડો નીકળવા લાગ્યો. થોડા જ પળોમાં બોનેટમાંથી આગની જ્વાળાઓ ફાટી નીકળતાં આસપાસના વાહનચાલકોમાં પણ ગભરાટનો માહોલ સર્જાયો.
પરિસ્થિતિની ગંભીરતા સમજી કારચાલકે તરત જ વાહનને રોડની બાજુમાં ઊભું રાખ્યું અને સમયસર બહાર નીકળી ગયો. ચાલક સુરક્ષિત રીતે બહાર આવ્યા બાદ આગે આખી કારને પોતાની ચપેટમાં લઈ લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાની નોંધાઈ નથી, પરંતુ લાખો રૂપિયાની કિંમત ધરાવતી લક્ઝરી કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ હાઈપ્રેશર પાણીના મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો, જોકે ત્યાં સુધીમાં કાર લગભગ સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂકી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે